દેશના પહેલા સાધુ જેમણે દેશમાં હિન્દુત્વની સ્થાપના માટે રાજકારણમાં ઝંપલાવ્યું…
વારાણસી: રાજસ્થાનની ચૂંટણીમાં ચાર બાબા-મહંતોનો વિજય થયો છે. ત્યારે નાથ સંપ્રદાય સાથે જોડાયેલા બાબા બાલક નાથ હવે રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન પદની રેસમાં છે. ત્યારે યોગી આદિત્યનાથ પણ એક સાધુ છે જે હાલમાં યુપીના મુખ્ય પ્રધાન છે. તો ક્યારેય તમને એ જાણવાનું મન થયું છે કે દેશમાં અગાઉ પણ કોઇ સાધુ ચૂંટણી લડ્યા છે કે નહિ અને જો ચૂંટણી લડ્યા છે તો જીત મેળવી છે કે નહિ. તો ચાલો તમને આજે એક એવા સાધુ વિશે જણાવું જેમણે ચૂંટણી પણ લડી અને બહુમત પણ મેળવ્યા.
આઝાદી પહેલા બનારસમાં રહેતા એક સંતની વાણી સાંભળવા માટે આખો દેશ એક પગે ઊભો રહેતો હતો. તેમની વાણીમાં હિન્દુઓની વેદના દેખાતી હતી. આજે પણ તે સંતની ચર્ચા ભારતમાં થાય છે. તે સંતનું નામ હતું સ્વામી કરપાત્રી મહારાજ. તેમના નામ પાછળ પણ એક અનોખી વાર્તા છે. વાસ્તવમાં તેમણે ક્યારેય વાસણોમાંથી ખાધું નથી.
તે હંમેશા પોતાના હાથમાં ખોરાક લેતા અને ખાતા હતા. તેથી જ તેમનું નામ કરપાત્રી મહારાજ પડ્યું. હિંદુઓમાં સ્વામી કરપાત્રી ખૂબ જ સિદ્ધહસ્ત માનવામાં આવતા હતા. રાજકીય નેતાઓ અને શંકરાચાર્યોમાં તેમનું ખૂબ સન્માન હતું. દેશની આઝાદી બાદ તેમણે નેહરુ સરકારના હિંદુ કોડ બિલ સામે મોટું આંદોલન ચલાવ્યું. બાદમાં તેમણે ગાય સંરક્ષણ પર એક મોટું અભિયાન ચલાવ્યું હતું. સ્વામી કરપાત્રી મહારાજ ઈચ્છતા હતા કે આઝાદી પછી દેશમાં હિંદુ શાસન સ્થાપિત થાય.
આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તેમણે 1948માં એક રાજકીય પક્ષની રચના કરી. જેનું નામ અખિલ ભારતીય રામરાજ્ય પરિષદ રાખવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય હતો દેશમાં રામરાજ્યની સ્થાપના કરવી. આ પાર્ટીનો એજન્ડા હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રવાદ હતો. આ પાર્ટીએ 50 અને 60ના દાયકામાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી.
સ્વામી કરપાત્રી મહારાજ જ્યારે પણ ચૂંટણી દરમિયાન પ્રચાર કરતા હતા ત્યારે તેમને સાંભળવા માટે ભારે ભીડ એકઠી થતી હતી. ઘણા ઉદ્યોગપતિઓએ તેમની પાર્ટીને નોંધપાત્ર આર્થિક મદદ કરતા હતા. કરપાત્રી મહારાજે 1952, 1957 અને 1962ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો ઘણા રાજ્યોમાં જીત્યા અને વિધાનસભામાં પણ પહોંચ્યા.
જ્યારે 1952માં બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે રામરાજ્ય પરિષદે 29 અને 95 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેણે બંને રાજ્યોમાં એક-એક સીટ જીતી હતી. 1957માં જ્યારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ ત્યારે સ્વામી કરપાત્રીની પાર્ટીએ 60 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 17 બેઠકો જીતી હતી. આ એક મોટી જીત હતી. આ સાથે તેઓ રાજકીય જગતમાં એક નવી શક્તિ બની ગયા.
સ્વામી કરપાત્રીની પાર્ટી ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડતી અને જીતતી હતી તો તેણે લોકસભાની ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો. 1952ની સામાન્ય ચૂંટણીમાં રામરાજ્ય પરિષદના ત્રણ ઉમેદવારો જીતીને લોકસભામાં પહોંચ્યા. આ પછી 1962 ની ચૂંટણીમાં રામરાજ્ય પરિષદના બે ઉમેદવારો ફરીથી જીત્યા. આ રીતે એમ કહી શકાય કે સ્વામી કરપતિજી મહારાજના હિંદુ પક્ષે પોતાની આગવી ઓળખ બનાવી હતી.
બાદમાં રામરાજ્ય પરિષદ ભારતીય જનસંઘમાં ભળી ગઈ જે હવે ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાય છે. સ્વામી કરપાત્રીનું 75 વર્ષની વયે વારાણસીમાં અવસાન થયું. ધાર્મિક શાસ્ત્રોમાં તેમની અદ્ભુત પંડિતતાને જોતા તેમને ‘ધર્મસમ્રાટ’ કહેવામાં આવે છે. સ્વામીજીની સ્મરણશક્તિ એટલી તેજ હતી કે વર્ષો સુધી કોઈ વસ્તુ વાંચ્યા પછી પણ તેઓ કહી શકતા હતા કે તે પુસ્તકના ચોક્કસ પાના પર ચોક્કસ સ્વરૂપમાં લખાયેલું છે. તેમણે વારાણસીમાં ‘ધર્મસંઘ’ની સ્થાપના કરી હતી તેમજ બનારસમાં સનમાર્ગ નામનું પેપર શરૂ કર્યું હતું જે આજે પણ પ્રકાશિત થાય છે.