ગુજરાતના ગરબાને મળી નવી વૈશ્વિક ઓળખ, UNESCOની યાદીમાં સામેલ થયું
ગુજરાતના ગરબા એ ગુજરાત કે ભારત પૂરતા સીમિત નથી રહ્યા, એ ભૌગોલિક સીમાડા ઓળંગીને હવે વિશ્વસ્તરની સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. જેને પગલે અંબાજીના ચાચરચોકમાં અને પાવાગઢમાં માતાજીના મંદિરમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું હતું કે ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે.
“માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસોનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્વફલક પર ઉજાગર કરશે.” તેવું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન જી. કિશન રેડ્ડીએ પણ X પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું એ રાષ્ટ્રીય ગૌરવસમી ક્ષણ છે. તો બીજી તરફ યુનેસ્કોએ પણ આ અંગે જાહેરાત કરતા લખ્યું હતું કે ગરબા એ ધાર્મિક અને આધ્યાત્મિક નૃત્ય છે જે હિન્દુઓના તહેવાર નવરાત્રી દરમિયાન રજૂ કરવામાં આવે છે. જે મા આદ્યશક્તિને સમર્પિત છે.
યુનેસ્કોના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદી’ એટલે કે એવા પ્રકારની સાંસ્કૃતિક ધરોહર જે મૂર્ત સ્વરૂપમાં નથી, એટલે કે આધ્યાત્મિક મહત્વ ધરાવતી પ્રવૃત્તિ-કળાઓ. આ યાદીમાં મણિપુરના સંકીર્તન, દૂર્ગાપૂજા, કુંભમેળો, યોગ, નવરોઝ, જંડિયાલા ગુરુના થાથેરાઓમાં પરંપરાગત પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની કામગીરીસ લદ્ધાખનું નૃત્ય, રાજસ્થાનના કાલબેલિયા લોકનૃત્યો, રામલીલા, દક્ષિણ ભારતના પારંપરિક નૃત્યો વગેરે સામેલ છે.