પાકિસ્તાનમાં અજ્ઞાત ભાઇઓનો કહર જારી, ભારતનો વધુ એક દુશ્મન થયો ઢેર
ઇસ્લામાબાદઃ તાજેતરમાં જ આપણે સમાચાર જાણ્યા હતા કે પાકિસ્તાન સ્થિત “ખાલિસ્તાની” આતંકવાદી અને ભારતના દુશ્મન “લખબીર સિંહ રોડે”ની અજ્ઞાત લોકોએ હત્યા કરી. આતંકવાદી “જરનૈલ સિંહ ભિંડરાનવાલે” નો ભત્રીજો હતો. આ સમાચારની શાહી પણ હજી સુકાઇ નથી ત્યાંતો એવા સમાચાર જાણવા મળ્યા છે કે અજ્ઞાત વ્યક્તિએ ભારતના વધુ એક દુશ્મન હંજલા અદનાનને પાકિસ્તાનમાં ઠાર કર્યો છે.
હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. હંજાલા સતત આતંકવાદી ગતિવિધિઓમાં વ્યસ્ત હતો. તેના પર પીઓકેમાં આતંકી કેમ્પ ચલાવવાનો પણ આરોપ છે. તે LeTના નેતા હાફિઝ સઈદનો નજીકનો સાથી હતો અને ઉધમપુર BSF કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ હતો. હંજલા અદનાન ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. હંજલા અદનાનને 3 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ નિશાન બનાવ્યો હતો. તેને કુલ ચાર વખત ગોળી વાગી હતી. અદનાનને તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારબાદ તેને કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. હંજલાની હત્યાને લશ્કર-એ-તૈયબા અને હાફિઝ સઈદ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આ હત્યા પાછળ કોનો હાથ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.
હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ હુમલામાં BSFના 2 જવાન શહીદ થયા હતા અને 13 BSF જવાનો ઘાયલ થયા હતા. હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા અને 22 જવાનો ઘાયલ થયા હતા. આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.
થોડા દિવસ પહેલા જ એ વાત સામે આવી હતી કે 26/11ના મુંબઈ હુમલાના પ્લાનિંગમાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને પાકિસ્તાનની જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું. સાજિદ મીરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સાજિદ મીર હાલમાં વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાનમાં અજ્ઞાત લોકો દ્વારા ભારતના દુશ્મનોને એક પછી એક વીણી વીણીને ખતમ કરવામાં આવી રહ્યા છે. આ અજ્ઞાત બંદૂકધારીઓ ક્યાંથી આવે છે, કોના પર ત્રાટકે છે, ભારતના દુશ્મન પર ત્રાટકીને તેનો ખાત્મો બોલાવીને જાણે કે હવામાં ઓગળી જાય છે, તે પાકિસ્તાની સત્તાવાળોઓને પણ કંઇ ખબર પડતી નથી. તેઓ માત્ર ભારત આવા હુમલા કરાવી રહ્યું છે એવો દાવો કર્યા કરે છે, પણ આ અજ્ઞાત લોકોનું પગેરું હજી સુધી મળ્યું નથી.
એજે હોય તે, પણ ભારત માટે તો આ અજ્ઞાત ભાઇઓ વરદાન સાબિત થઇ રહ્યા છે., જેમના કારનામા જોઇને આપણને કહેવાનું મન થાય કે હે અજ્ઞાતભાઇઓ, તમારા ચરણ ક્યાં છે….