સુરત ડાયમંડ બુર્સમાં બનશે વિશાળ જ્વેલરી મોલ, વડાપ્રધાન મોદી આ તારીખે કરશે ઉદ્ઘાટન
સુરત: વિશ્વના સૌથી વિશાળ ઓફીસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ(SDB)માં કસ્ટમાઇઝ્ડ ડાયમંડ જ્વેલરીનો વિશાળ મોલ શરુ થશે. 50,000 ચોરસ ફૂટના વિસ્તારમાં મોલમાં 27 ડાયમંડ જ્વેલરી શોરૂમ હશે અને જે ટોચની બ્રાન્ડ્સ માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. SDB વહીવટી સમિતિ દ્વારા શોરૂમની હરાજી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે ડાયમંડ બુર્સ અને ડાયમંડ જ્વેલરી મોલનું ઉદ્ઘાટન કરશે. 3,500 કરોડ રૂપિયાના ખર્ચે SDBનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સમગ્ર SDB કેમ્પસનો કુલ વિસ્તાર 68,17,050 ચોરસ ફૂટ છે. 81m એલિવેશન ધરવતા ગ્રાઉન્ડ-પ્લસ-15-માળના નવ ટાવર એટ્રીયમ સ્પાઇન દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. SDBના એક પદાધિકારીના જણાવ્યા મુજબ વિશ્વમાં આ પ્રકારનો કોઈ ડાયમંડ જ્વેલરી મોલ નથી. સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબની સાથે, તેમાં ટોચની વૈશ્વિક બ્રાન્ડ્સ પણ હશે.
સુરત ડાયમંડ બુર્સને આ વર્ષે સિંગાપોરના મરીન બે સેન્ડ્સ ખાતે ચાલી રહેલા પ્રતિષ્ઠિત વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ(WAF)માં ‘બેસ્ટ ઓફિસ બિલ્ડીંગ’ એવોર્ડ આપવામાં આવ્યો છે. SDBની ડિઝાઇન દિલ્હી સ્થિત એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ્સ સોનાલી અને મનિત રસ્તોગી અને તેમની ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા બનાવવામાં આવી છે અને બુધવારે રાત્રે WAF તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
મૉલની સાથે SDBમાં ડાયમંડ ક્લબના ઉપરના બેઝમેન્ટમાં 40,000 ચોરસ ફૂટનું કસ્ટમ્સ હાઉસ છે, જેથી કસ્ટમ અધિકારીઓ ઝડપી ક્લિયરન્સ આપી શકે. જેનાથી પ્રદેશના જેમ્સ અને જ્વેલરી સેક્ટરને વેગ મળશે.
67,28,604 લાખ ચોરસ ફૂટના કાર્પેટ એરિયા સાથે SDB યુએસના પેન્ટાગોન (66,73,624 ચોરસ ફૂટ) કરતાં લગભગ 55,000 ચોરસ ફૂટ મોટું છે. વિશાળ વિસ્તાર હોવા છતાં, ડેસ્ટિનેશન કંટ્રોલ સિસ્ટમ દ્વારા સંચાલિત 131 એલિવેટર્સનો ઉપયોગ કરીને તેના 15-માળના ટાવર્સમાંના કોઈપણ ટાવરના ઉપરના માળે છ મિનિટની અંદર પહોંચી શકાય છે.