નેશનલ

હું 13 ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ, ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને સંસદ ભવન પર હુમલાની ધમકી આપી છે. પન્નુએ વીડિયો જાહેર કરીને કહ્યું, મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ. નોંધનીય છે કે અગાઉ 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર હુમલો થયો હતો.

વીડિયોમાં પન્નુ કહી રહ્યો છે કે ભારતીય એજન્સીઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી. હવે હુમલાના પ્લાનિંગના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નુએ સંસદ ભવન હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેનું એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે ‘દિલ્હી બનશે પાકિસ્તાન’.
પન્નુનો આ વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.


સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે પન્નુના વીડિયોની સામગ્રી સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે પન્નુને આ સ્ક્રિપ્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના K-2 ડેસ્ક દ્વારા આપવામાં આવી છે.

જોકે, પન્નુની ધમકી કોઇ નવી વાત નથી. અગાઉ પણ એ આવી ગીધડ ધમકી આપી ચૂક્યો છે. પન્નુએ થોડા સમય પહેલા એક વીડિયો જાહેર કર્યો હતો. આમાં તેણે શીખોને 19 નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી નહીં કરવાની અન્યથા તેમનો જાન જોખમમાં મૂકાઇ જવાની સૂચના આપી હતી. વીડિયોમાં તેણે દાવો કર્યો હતો કે પન્નુએ વધુમાં દાવો કર્યો કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે.


હાલમાં જ અમેરિકન એજન્સીઓએ ભારતીય વ્યક્તિની ધરપકડ કરીને તેના પર પન્નુની હત્યાનું કાવતરુ રચવાનો આરોપ લગાવ્યો હતો. એમોરિકન એજન્સીએ જણાવ્યું હતું કે તેમણે આ હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો હતો કે પકડાયેલ આરોપી ભારતીય એજન્સીઓના નિર્દેશ પર કામ કરતો હતો. જોકે, ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે.


પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967ના રોજ પંજાબમાં થયો હતો. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં રહે છે. પન્નુએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. ક્યારેક તે અમેરિકામાં તો ક્યારેક કેનેડામાં રહે છે. તે ભારતમાં બહારથી આતંકવાદી હુમલા કરવાની ધમકી આપે છે અને કેનેડામાં સ્થાયી થયેલા હિન્દુઓને ધમકી આપે છે. હાલમાં તે અમેરિકામાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. પન્નુએ 2007માં ‘શીખ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ 2020માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ આઈએસઆઈની મદદથી ખાલિસ્તાન અભિયાન ચલાવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button