મુંબઈ: સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મ Zerodhaના સ્થાપક અને સીઈઓ નીતિન કામથે કાઈટ(Kite) વેબ પ્લેટફોર્મમાં ટેકનિકલ ખામીઓ અંગે માફી માગી છે. તકનીકી ખામીઓને કારણે યુઝર્સને કાઈટ વેબ પ્લેટફોર્મ પર લૉગિન કરવામાં તકલીફ પડી હતી.
તાજેતરમાં, ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. નારાજગી વ્યક્ત કરતા કેટલાક યુઝર્સે મોબાઈલ એપ અને Zerodh Coinકોઈનને પણ ફ્લેગ કર્યા હતા. જોકે, કંપનીએ એક કલાકની અંદર ટેકનિકલ ખામીઓને ઠીક કરવાનો દાવો કર્યો હતો. તેમ છતાં, કેટલાક યુઝર્સને લોગિન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. એક મહિનામાં આ પ્લેટફોર્મમાં આ બીજો ટેકનિકલ ગ્લીચ છે.
નીતિન કામથે એક બ્લોગ પોસ્ટમાં યુઝર્સને પડી રહેલી સમસ્યાઓ માટે ખેદ વ્યક્ત કર્યો છે. કામથે લખ્યું – “નવેમ્બર 6 અને ડિસેમ્બર 4 ના રોજની સમસ્યાઓ બાહ્ય નિર્ભરતાના કારણે થઈ હતી. આ કોઈ બહાનું નથી, અને હું સમજું છું કે તમે જે સમસ્યાઓનો સામનો કરો છો તેના માટે એક પ્લેટફોર્મ તરીકે અમે જવાબદાર છીએ. પરંતુ હું તમારી સાથે શેર કરવા માંગતો હતો કે શું ખોટું થયું અને અમે તેના વિશે શું કરી રહ્યા છીએ.”
નીતિન કામથે વધુમાં જણાવ્યું કે, “નવેમ્બર 6નો ઇસ્યુ અમારા EMS વેન્ડર તરફથી એન્ટી-મૉલવેર મોનિટરિંગ સેવામાં અનિશ્ચિત અપડેટને કારણે થયો હતો. આ અપડેટને કારણે અમારા સર્વર ક્રેશ થયા હતા.”
કંપનીએ સ્વીકાર્યું કે આ સપ્તાહના અંતમાં નિયમિત ડેટાબેઝ અપડેટના પરિણામે મૂંઝવણમાં મૂકાયેલા યુઝર્સ તરફથી પાસવર્ડ રીસેટ રીક્વેસ્ટમાં વધારો થયો છે. આ આખરે લોગિન સિસ્ટમ પર પ્રેસર પડે છે. આ કારણે લોગીન થઇ શક્યું ન હતું. કામથે કહ્યું કે આ સમગ્ર મામલામાં વિગતવાર રુટ કોઝ એનાલિસિસ (RCA) ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.