નેશનલ

કચ્છ ઠંડુંગાર: નલિયા ૧૦ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: જમ્મુ-કાશ્મીર, કેદારનાથ અને બદ્રીનાથમાં થઇ રહેલી ભારે હિમવર્ષાએ માવઠાની વકી વચ્ચે ઠંડી ઘટવા માંડે તે ગણિતને ઊલટું પાડી દેતાં સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. ગણતરીના કલાકોમાં જ છથી સાત ડિગ્રી જેટલું તાપમાન એકાએક ઘટી જતાં ઠંડીના અચાનક આક્રમણથી લોકો ઊંઘતા ઝડપાયા છે.

ભુજમાં ઉત્તરાદા પવનોની સંગાથે લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી સે. પર પહોંચી જવાની સાથે વહેલી સવારે અને રાત્રે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. અધુરામાં પૂરું મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સે. જેટલું નીચું આવી જતાં ભરબપોરે પણ ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો. ઉત્તર પૂર્વ અને દક્ષિણ દિશા તરફથી પ્રતિકલાકે ૧૪ કિમિ.ની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોએ જાણે સમગ્ર કચ્છને ટાઢુંબોળ બનાવી દીધું છે. માત્ર બાર કલાકના ટૂંકાગાળામાં દિવસમાં તાપમાનનો પારો લગભગ આઠ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટી જતા ઠંડીની તીવ્રતા મારકણી બની જવા પામી છે.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આજે ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન નોંધાતા તીવ્ર ઠારથી
જનજીવનને વ્યાપક અસર થવા પામી છે અને બાળકોથી માંડી મોટેરાં ટાઢથી થથરી ઊઠ્યા છે. પૂર્વ કચ્છના રાપર અને ભારત પાકિસ્તાનની અંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો જેવાં કે બાલાસર, લોદ્રાણી, બેલા, લાકડા વાંઢ, વૃજવાણીમાં તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું રહેવા પામતા અહીં કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button