શાનદાર શરૂઆતઃ જુનિયર હૉકી વર્લ્ડ કપમાં ભારતે કોરિયાને 4-2થી હરાવ્યું
કુઆલાલમ્પુરઃ અરિજિત સિંહ હુંદલના હેટ્રિક ગોલની મદદથી ભારતે મંગળવારે અહીં દક્ષિણ કોરિયાને 4-2થી હરાવીને એફઆઇએચ જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.
અરિજિતે 11મી, 16મી અને 41મી મિનિટમાં ગોલ કર્યા હતા. ભારત માટે વધુ એક ગોલ અમનદીપે 30મી મિનિટે કર્યો હતો. દક્ષિણ કોરિયા તરફથી ડોહ્યુન લિમ (38મો) અને મિંકવોન કિમ (45મો) ગોલ કર્યા હતા.
ભૂવનેશ્વરમાં રમાયેલી છેલ્લી સીઝનમાં બ્રોન્ઝ-મેડલ મેચમાં ફ્રાન્સ સામે હારી ગયેલા ભારતે પ્રથમ ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને મજબૂત શરૂઆત કરી હતી. ભારતીયોએ બીજા ક્વાર્ટરમાં અજિજિતે અને અમનદીપે બે ગોલ કરીને પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું.
મેચમાં 4-1ની લીડ સાથે ભારત મજબૂત સ્થિતિમાં હતું ત્યારે કોરિયા તરફથી મિંકવોને ગોલ કરીને લીડને ઘટાડી હતી. ભારત હવે તેની બીજી પુલ મેચમાં સ્પેન સામે રમશે. ભારતે બે વખત (2001 અને 2016) ટુર્નામેન્ટ જીતી છે અને એક વખત (1997) રનર અપ રહી છે.