ઈન્ટરવલ

ઑનલાઈન દેખાય એ બધુ પરમ સત્ય ન હોય

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના ઓખા મંડળમાં બનેલો સાયબર છેતરપિંડીનો કિસ્સો જાણવા, સમજવા અને યાદ રાખવા જેવો છે.

મીઠાપુરના આરંભડામાં રહેતા જીતેન્દ્ર થાણખણીયાના બૅંક ખાતામાંથી રકમને કેવી રીતે પગ આવી ગયા એ પહેલા બિચારાને સમજાયું જ નહીં. પોતાની બૅંકના કસ્ટમર કૅરનો નંબર ગૂગલ પરથી મેળવીને સંપર્ક સાધવામાં આફતને અજાણતા જ આમંત્રણ અપાઈ ગયું હતું.

પછી ક્રેડિટ કાર્ડનો પ્રોટેક્શન પ્લાન બંધ કરાવવા માટે તેમણે જીતેન્દ્રભાઈ પાસેથી ઓટીપી માગી. ભોળાભાવે તેમણે એ આપી દીધો. ત્યાર બાદ એમના બૅંક ખાતામાંથી બે વાર રકમ ગાયબ થઇ ગઈ. રૂ. ૯૯ હજાર અને ૩૦ હજાર.
રકમ નાનીસુની નહોતી અને ઠગાઈથી પડાવી લેવાઈ હતી. મામલો પહોંચ્યો પોલીસ સુધી. સાયબર ક્રાઈમ વિભાગ એકદમ હરકતમાં આવી ગયો. આ છેતરપિંડીમાં આરોપીઓ સુધી પહોંચવા માટે એક એક રસ્તા-રીતરસમ અજમાવાયા. સદ્ભાગ્યે સફળતા મળી.

પણ આ સાયબર ક્રાઈમનો છેડો છેક વડોદરા સુધી પહોંચી ગયો. અંતે આ મામલામાં વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા રાહુલ પરમાર અને ફતેગંજવાસી મહમદ યુસુફ સૈયદ નામના આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાહુલ અગાઉ ઈટપાણના ફરીદાબાદમાં પણ સાયબર ગુનામાં પકડાઈ ગયો હતો. આ જેલવાસમાં તેનો પરિચય દિલ્હીના સત્યમ સાથે થયો. બંનેમાં દોસ્તી જામી, નક્કી કર્યું કે હિંસા શા માટે કરવી? સાયબર અપરાધ જ શ્રેષ્ઠ છે. આના ભાગરૂપે એક રાષ્ટ્રીય બૅંકનો ખોટો કસ્ટમર કેર નંબર ગુગલ પર મૂકી દીધો. એના પર આવતા બધા ફોનમાં તેઓ ઓટીપી મેળવવાનો પ્રયાસ કરતા રહેતા હતા. એમાં સફળતા મળે તો કોલ કરનારના બૅંકના ખાતામાંથી પૈસા કઢાવી લે.

આ પૈસાની હેરફાર માટે તેઓ વડોદરાના જ મહમદ યુસુફના બે બૅંક ખાતાનો ઉપયોગ કરતા હતા. આમાં લગભગ ૧૦.૫૦ લાખ જેટલી માતબર પારકી રકમ ઘર ભેગી કરી દીધી હતી, જેમાં આરંભડાના જીતેન્દ્રભાઈની રકમ પણ આવી ગઈ.

રિઝર્વ બૅંક અને સાયબર સેલ વારંવાર ચેતવતા રહે છે કે કોઈ કરતા કોઈ સાથે ક્રેડિટ-ડેબિટ કાર્ડના સીવીવી નંબર, ઓટીપી કે ગુપ્ત પીન નંબર ક્યારેય શેઅર કરવા નહીં. આટલું યાદ રાખો અને સલામત રાખો.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)

ગૂગલ પર હોય એ બધેબધું સાચું હોય એ ભ્રમ ત્યજી દો. કામ હોય તો તરત ફોન ડાયલ કરવાને બદલે પગ ચલાવો. ફાયદામાં રહેશો, બધી રીતે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button