ગ્લોબલ વૉર્મિંગ ઘટાડો અને વાવાઝોડાની સંખ્યા પણ…
વિશેષ -મુકેશ પંડ્યા
તાજેતરમાં જ મિચાઉન્ગ નામના વાવાઝોડાએ તમિળનાડુને ધમરોળ્યું અને આ લેખ લખાઇ રહ્યોં છે ત્યારે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. આ અગાઉ બિપોરજોય નામના વાવાઝોડાએ ગુજરાતમાં એન્ટ્રી મારી હતી. ૨૦૨૩નું વર્ષ અંત ભણી જઇ રહ્યું છે ત્યારે તમને જણાવી દઇએ કે આ વર્ષમાં કુલ છ વાવાઝોડાએ ભારતના વિવિધ ભાગોમાં પૂર અને તારાજી સર્જયા છે. વાવાઝોડાનું પ્રમાણ વધતું જાય છે તેનું એક મુખ્ય પરિબળ ગ્લોબલ વોર્મિંગ છે અને ગ્લોબલ વોર્મિંગ વધારવામાં બીજા કોઇ નહીં પણ માણસે જ મહત્ત્વનો ભાગ ભજ્વ્યો છે.
પૃથ્વીના સાડા છ લાખ વર્ષના ઇતિહાસમાં છેલ્લાં ૩૦૦ વર્ષમાં જે ઔદ્યોગિકરણ થયું છે તેણે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજ્વ્યો છે. ગરમીનો પારો વધતો જાય છે. ગરમીને કારણે હિમાલય સહિત અનેક બર્ફિલા પહાડોનો બરફ ઓગળતો જાય છે. સ્વાભાવિક છે કે તેને કારણે નદીઓમાં પાણીનું પ્રમાણ વધે, પૂર આવે અને અંતે સમુદ્રની સપાટી પણ વધતી જ જાય. હવે માત્ર સપાટી જ નહીં પરંતુ સમુદ્રનું ઉષ્ણતામાન પણ વધતું જાય છે. કારણ કે પૃથ્વી પર વધતી ગરમીનો મોટો ભાગ સમુદ્ર દ્વારા જ શોષાય છે. સમુદ્ર અને પૃથ્વીના વધતા તાપમાનને કારણે વાયુ પર પણ વિપરીત અસર થાય છે અને ચક્રવાતનું નિર્માણ થાય છે જે તટપ્રદેશોને ધમરોળી નાખે છે.
આવા સંજોગોમાં આપણે એમ વિચારીને બેસી રહીએ કે આ બધી સમસ્યાનું સમાધાન શોધવાનું કામ માત્ર વૈજ્ઞાનિકો કે સરકારનું જ છે તો એ નહીં ચાલે. આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એમ આપણો સહકાર આપવો જ રહ્યો. પૃથ્વી પર વસતા અન્ય પ્રાણીઓની સરખામણીમાં માણસ જ વધુ ખતરનાક છે. માણસમાં રહેલી જાનવર વૃત્તિેએ પૃથ્વીના કુદરતી સ્ત્રોતોનું નિકંદન કાઢ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક અભ્યાસ કહે છે કે ઇ.સ. ૧૭૫૦ બાદ ઓદ્યોગિકરણની સાથે પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વછૂટવાની પ્રક્રિયા વધી ગઇ છે. જળવિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે આને કારણે પૃથ્વીના પતનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. એવો અંદાજ છે કે આવનારા ૫૦ વર્ષમાં પૃથ્વીનું ઉષ્ણતામાન બેથી ત્રણ ડિગ્રી વધશે. ત્યારે દરિયાની સપાટી ઠેર ઠેર વધી જશે. મુંબઇના નરીમાન પોઇન્ટ સહિત અનેક દરિયા કિનારા પર આવેલા શહેરોના અનેક હિસ્સાઓ ડૂબમાં જવાની સંભાવના છે. વાવાઝોડાઓની સંખ્યા વધતી જશે. માઉન્ટ એવરેસ્ટ સર્વોચ્ચા શિખરનો દરજ્જો પણ ગુમાવી શકે છે.
જોકે, આ વાંચીને ગભરાઇ જવાની કે નિરાશ થવાની જરૂર નથી. વિજ્ઞાનીઓ કહે છે કે હજી પણ કંઇ મોડું થયું નથી. જો કાર્બનડાયોક્સાઇડ વછૂટવાની અર્થાત કાર્બન એમિશનની પ્રક્રિયાને નિયંત્રણમાં લાવી શકાય તો પરિસ્થિતિમાં સુધાર લાવી શકાય છે.
આપણે શું કરી શકીએ?
કાળા માથાનો માનવી આમાં કેવી રીતે મદદ કરી શકે એ આપણે જોઇએ. આપણે કાર્બન ઉત્સર્જનની પ્રક્રિયા પર કાપ મૂકવા અવશ્ય પ્રયત્નો કરવા જોઇએ.
જો આપણે ઘરથી જ શરૂઆત કરીએ તો સામાન્ય બલ્બની જગ્યાએ ઘરમાં કોમ્પેક્ટ ફલોરોસન્ટ લાઇટ (સીએફએલ) બલ્બ વાપરવાની શરૂઆત કરવી જોઇએ. તે સામાન્ય કરતાં ત્રણ ગણો મોંઘો હોય છે પરંતુ તેને કારણે વીજળીનું બિલ ૪૦ ટકા ઓછું આવે છે એટલે સરવાળે સસ્તું પડે છે અને ગલોબલ વોર્મિંગ ઘટાડવામાં પણ મદદ મળે છે. ઘરના બલ્બ ખરીદતી વખતે આટલી જાગૃતિ જરૂરી છે. નવું ઘર બનતું હોય તો પ્રકાશ અને હવાની અવર જવર માટે આર્કિટેક્ટને પૂછી ઘરમાં પૂરતો પ્રકાશ અને હવા મળે તેવી વ્યવસ્થા કરી હોય તો વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીનો સર્વે કહે છે કે આજનો ફેશનેબલ યુવાન ખાવા કરતાં કપડા પાછળ વધું પ્રદૂષણ ફેલાવે છે. એક ટી-શર્ટ લોન્ડ્રીમાં એક વર્ષમાં ૪૦ વખત પણ ધોવાય તો વાતાવરણમાં ૪ કિલો કાર્બન વધે છે. જો આ જ ટી-શર્ટ લોન્ડ્રીને બદલે ઇકો-ફ્રેન્ડલી મશીનમાં ધોવાય તો ૯૦ ટકા કાર્બન ડાયોક્સાઇડ બચાવી શકાય.
એ.સી, હીટર અને ફ્રિજનો વપરાશ બને એટલો ઘટાડવો જોઇએ. આજે એક એક ઘરમાં બે ફ્રિજ અને દરેક રૂમમાં એ.સી. તો સામાન્ય થઇ ગયા છે. પહેલાં રોજ તાજું ખવાતું અને વધેલું ખાવાનું ઘર-ઘાટી કે પશુ-પક્ષી કે ભિક્ષુકોને આપી દેવાતું. હવે ફ્રિજની સુવિધાને કારણે માણસ વધેલું ખાવાનું ફ્રિજમાં ભરવા લાગ્યો છે. ઘરના ફ્રિજની સાઇઝ અને સંખ્યા વધતી જાય છે. એક તો ફ્રિજમાં રાખેલું બીજે ત્રીજે દિવસે ખાવાનું. તબિયત બગાડવાની અને સાથે સાથે વાતાવરણમાં પણ ફ્રિજ જે વાયુઓ છોડે છે તે ગ્લોબલ વાર્મિંગ જ વધારે છે. ખોરાક તો શીતળ થયો પણ વાતાવરણ ગરમ થયું.
આ જ બાબત એ.સી.ને પણ લાગુ પડે છે. સામાન્ય માણસને પણ હવે એ.સી.ની આદત પડી ગઇ છે. એ.સી. ઓફિસ અને એ.સી. કાર કે ટ્રેનમાં પ્રવાસ કરતા માણસને પછી ઘરમાં પણ એ.સી. વગર ફાવતું નથી. નાની ચાલીઓ અને ઝૂંપડુપટીઓમાં પણ એ.સીની સંખ્યા વધતી જાય છે. ફ્રિજની જેમ જ એર કંડિશનર પણ કાર્બન ડાયોક્સાઇડ જેવા અનેક બીજા હાનિકારક ગેસ (ગ્રીન હાઉસ ગેસ) છોડે છે જે વાતાવરણની ફરતે રહેલા ઓઝોનના થરમાં કાણા પાડવાની ક્ષમતા ધરાવે છે. આ ઓઝોનનું પડ સૂર્યના હાનિકારક કિરણોથી બચાવતું હતું એના બદલે આજે ઊલટી ગંગા વહી રહી છે. આવાં કિરણો દરિયામાં શોષાઇ ત્યારે તેનું તાપમાન વધી જાય છે અને અંતે દરિયા નજીકની હવાના દબાણોમાં ફરક આવે છે અને વાવાઝોડાની ભીતિ વધે છે.
આ જ રીતે વિપુલ પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ છોડતી કારો પણ ગ્લોબલ વોર્મિંગ વધારવામાં નિમિત્ત બને છે. એક તો માનવ વસતિનો વિસ્ફોટ થતો જાય છે અને એક એક ઘરમાં વ્યક્તિ દીઠ કારોની સંખ્યા પણ વધતી જાય છે.
વાડા અને વાડીઓ ઘટતી જાય છે. વૃક્ષો કપાતાં જાય છે. એ પણ દુખદ બાબત છે. વનસ્પતિ અને વૃક્ષો વાતાવરણમાં વધેલા કાર્બન ડાયોક્સાઇડને શોષી લઇ પ્રાણવાયુ આપે છે. પણ કપાતાં જંગલો, અને વધી રહેલું કોંક્રેટાઇઝેશન વાતાવરણમાં કાર્બનને છોડી રહ્યું છે અને ગ્લોબલ વાર્મિંગ વધતું જાય છે.
નવા વર્ષે સંકલ્પ લો
ઉપરોક્ત ઉપકરણો અને સંશાધનોની આપણને આદત પડી ગઇ છે જે આપણો અને આપણી ભાવિ પેઢીનો જ સર્વનાશ નોતરશે એ બાબત નિશ્ર્ચિત છે. આવા સંજોગોમાં નવું વર્ષ ૨૦૨૪ આવી રહ્યું છે ત્યારે તમે કઇ આદત છોડી શકો કે ઓછી કરી શકો કે તમારા પરિવારને સમજાવી શકો અને એ બાબતે સંકલ્પ લેવડાવી શકો તો કેટલું સારું?