બેન્કિંગ ઓન બૅન્ક તેજીના નવા તબક્કાનું નેતૃત્વ બેન્કિંગ સેક્ટર હસ્તક!
શેરબજારમાં ભરશિયાળે તેજીનો ગરમાટો સતત વધી રહ્યો છે અને હાલ તુરત તો, એક પ્રોફિટ બુકિંગ સિવાય તેને ટાઢો પાડે એવા કોઇ તાત્કાલિક પરિબળ દેખાતાં નથી. સટોડિયા વર્ગ ખાસ કરીને બૅન્ક શેરો માટે બુલિશ છે અને માને છે કે તેજીના નવા તબક્કાનું નેતૃત્વ બેન્કિંગ સેક્ટર હસ્તક રહેશે! ચાલુ મોમેન્ટમ રેલી બૅન્ક નિફટીને ૪૮,૦૦૦ના અથવા તો તેનાથી પણ આગળના સ્તર તરફ લઇ જવાની ક્ષમતા ધરાવે છે.
કવર સ્ટોરી- નિલેશ વાઘેલા
શેરબજારે સોમવારે વિક્રમી ઉછાળા સાથે નવી ઐતિહાસિક ટોચ બનાવ્યા પછી પણ આગેકૂચ ચાલુ રાખી છે અને મંગળવારે વધુ આગળ વધીને નવા શિખરો સર કર્યા છે. હવે એક પ્રોફિટ બુકિંગની સંભાવના આપણે બાજૂએ મૂકીએ તો તેજી માટેના એટલા પરિબળો એકત્ર થયા છે, કે હાલ તો પીછેહઠની શક્યતા જણાતી નથી. મંગળવારે સતત બીજા દિવસે બેન્ક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જેમાં એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એક્સિસ બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાનો સમાવેશ હતો.
શેરબજારમાં કામકાજના સત્ર બાદ જાહેર થયેલો એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયા સર્વિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ નવેમ્બરમાં ૫૬.૯ની એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હોવાની જાહેરાત થઇ છે. હવે જો આને પગલે પ્રોફિટ બુકિંગ શરૂ થાય તો આજે કદાચ બજારમાં કરેકશન આવી શકે, પરંતુ એકંદરે હાલ બધુ હેમખેમ છે. અગ્રણી એનાલિસ્ટે કહ્યું હતું કે નજીકના ગાળામાં બજાર વધુ ૫ાચેક ટકા સુધી વધે તેવી સંભાવના છે.
હવે સેગમેન્ટને અનુલક્ષીને વાત કરીએ તો, સટોડિયા વર્ગ ખાસ કરીને બૅન્ક શેરો માટે બુલિશ છે અને માને છે કે તેજીના નવા તબક્કાનું નેતૃત્વ બેન્કિંગ સેક્ટર હસ્તક રહેશે! વાસ્તવમાં આજે આપણે આ મુદ્દા પર જ ફોકસ કરવી છે. આનું કારણ એ છે કે, માત્ર સટોડિયા જ નહીં પરંતુ ટોચના ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ અને ફંડ મેનેજરો પણ બૅન્ક શેરો પર ફોકસ કરી રહ્યાં છે. એક એવો વર્ગ છે કે જે નિફ્ટી કરતા બૅન્ક નિફ્ટીને વધુ પ્રાધાન્ય આપે છે.
શાસક ભાજપે ત્રણ મુખ્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતી હોવાથી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલા સ્થાનિક ઈક્વિટીમાં તેજીની અપેક્ષા હોવાથી કેટલાક બ્રોકરેજ હાઉસ તેમના સૌથી વધુ પસંદગીના ક્ષેત્રોમાં નાણાકીય અને લાર્જ કેપ્સ શેરોમાં એક્સપોઝર વધારી રહ્યાં છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ તેમની વેચાણ વ્યૂહરચના બદલાવી છે અને પાછલા સાત સત્ર દરમિયાન સતત લેવાલી કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે બજારની ચર્ચા અનુસાર ફ્રન્ટલાઈન બેંકિંગ શેરોમાં એક્યુમ્યુલેશન થઇ રહ્યું છે.
શેરબજારે નવા શિખરો સર કર્યા પછી હવે રોકાણકારોની નજર બૅન્ક નિફ્ટીની આગામી ચાલા પર મંડાયેલી છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા, કોટક બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્ક દ્વારા સમર્થિત બેંકિંગ ઇન્ડેક્સ ચોથી ડિસેમ્બરના રોજ ૧,૬૧૭ પોઈન્ટ ઉછળીને ૪૬,૪૮૪.૪૫ પર રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. મંગળવારે બજન્ક નિફ્ટી વધુ ૫૮૦.૮૫ પોઇન્ટના ઉછાળા સાથે ૪૭,૦૧૨.૨૫ પોઇન્ટની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. વિશ્ર્લેષકોના મતે ચાલુ મોમેન્ટમ રેલી ઇન્ડેક્સને ૪૮,૦૦૦ના સ્તરે ઉપર લઇ જઇ શકે છે.
એસેમ્બલી ચૂંટણીના પરિણામો બજારમાં નવા તેજીના તબક્કા માટે નવા આશાવાદને ઉત્તેજન આપી રહ્યા છે અને સ્થિર રાજકીય વાતાવરણ રોકાણકારોના વિશ્ર્વાસને વધુ વેગ આપવા સાથે બજારને ઊંચુ લઈ શકે છે.
બજારના પીઢ અભ્યાસુઓ કહે છે કે, માર્કેટમાં તેજીના નવા તબક્કામાં બેંકિંગ ક્ષેત્ર એ તમામ ક્ષેત્રોની માતા (સુપર મધર) હોવાને કારણે સૌપ્રથમ આગેવાની લેશે. ટોચના ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, બૅન્ક નિફ્ટી માટે હવે ૪૬,૦૦૦-૪૫,૮૦૦ પર સપોર્ટ લેવલ અને ૪૭,૦૦૦-૪૮,૦૦૦ પર પ્રતિકાર સપાટી છે. તેજીવાળાઓએ બૅન્ક નિફ્ટી પર જોરદાર ફોકસ કરીને બેરિશ સેન્ટિમેન્ટને દૂર કર્યું છે. આ ઇન્ડેક્સને ૪૬,૦૦૦-૪૫,૮૦૦ ઝોનમાં મજબૂત ટેકો મળ્યો હતો અને તેજીવાળા બૅન્ક શેરોમાં બુલિશ હોવાથી બૅન્કનિફ્ટીની આગેકૂચ ચાલુ રહેવાની ધારણા છે.
એક ટોચના ટેકિનકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ચાલુ મોમેન્ટમ રેલી ઇન્ડેક્સને ૪૮,૦૦૦ના અથવા તો તેનાથી પણ આગળના સ્તર તરફ લઇ જવાની ક્ષમતા ધરાવે છે. બેન્કિંગ સેક્ટર મધ્યમથી લાંબા ગાળામાં આઉટપરફોર્મ કરવાની અપેક્ષા રાખે છે રાજ્યની ચૂંટણીના પરિણામોએ આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓમાં કેન્દ્રમાં શાસક શાસન દ્વારા મજબૂત કામગીરી સૂચવ્યા બાદ બજારે જે મજબૂત પ્રતિભાવ આપ્યોા તે અપેક્ષિત હતો, તેમાં આગામી ૫ાંચ વર્ષમાં રાજકીય સ્થિરતા અને આર્થિક સુધારાની સાતત્યનો સંકેત છે.
ફંડ મેનેજરે જણાવ્યું હતું કે બૅન્કો મુખ્ય ડ્રાઈવર તેમજ સામાન્ય આર્થિક વૃદ્ધિના લાભાર્થી હોવાને કારણે આ ક્ષેત્ર મધ્યમથી લાંબા ગાળામાં આઉટપરફોર્મર હોવાની અપેક્ષા છે. બૅન્કોના આકર્ષક મૂલ્યાંકન અને તેમની બેલેન્સ શીટની ગુણવત્તા તેમની અપીલમાં વધારો કરે છે.
ગયા મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) દ્વારા પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ માટેના ધોરણો કડક બનાવ્યા બાદ બેન્કિંગ ઇન્ડેક્સ દબાણ હેઠળ હતા. બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એક્સિસ બૅન્ક, આરબીએલ બૅન્ક અને એસબીઆઇ કાર્ડ સહિતના ટોચના બેંકિંગ અને નોન-બેંકિંગ ફાઇનાન્સના શેરોમાં જોરદાર વેચવાલી આવતાં, ૧૭ નવેમ્બરના રોજ બજારનું સેન્ટિમેન્ટ નકારાત્મક બન્યું કારણ કે આરબીઆઇએ અસુરક્ષિત લોન સેગમેન્ટમાં બેલગામ વૃદ્ધિને ચકાસવા માટે મૂડીની જરૂરિયાતો (રિસ્ક વેઇટેજ)માં વધારો કર્યો હતો.
ઓ નોંધવું રહ્યું કે, આરબીઆઈની જાહેરાત બાદથી, બૅન્ક નિફ્ટીમાં માત્ર ૧૨ ટ્રેડિંગ સેશનમાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે. જોકે, નિફ્ટી-૫૦ બેન્ચમાર્કની સરખામણીમાં અંડરપરફોર્મ કરતાં ઇન્ડેક્સે વાર્ષિક ધોરણે ૭.૫ ટકાનો વધારો કર્યો છે, જે સમાન સમયગાળામાં ૧૩.૬ ટકા ઉછળ્યો છે. એ નોંધવું રહ્યું કે મુંબઇ સમાચાર ક્યારેય કોઇ રોકાણ સલાહ આપતું નથી અને રોકાણકારોએ તેમના નિર્ણય નિષ્ણાતોની સલાહ લઇને જ કરવું જોઇએ.
તેજીનો માહોલ હોવા છતાં રોકાણકારોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે અત્યારે તમામ તેજીપ્રેરક પરિબળો વચ્ચે એક મહત્ત્વનુ અવરોધક પરિબળ ઊંચા વેલ્યુએશનનું છે. હાલ વેલ્યુએશન્સ ઊંચી સપાટીએ છે અનેે તેજીની ગતિ વધવાની સાથે તે વધુ ઊંચી સપાટીએ પહોંચશે. બજારના પીઢ વિશ્ર્લેષકો માને છે કે નજીકના ગાળામાં બજાર ફંડામેન્ટલ્સની અવગણના કરશે અને આગેકૂચ સાથે વધુ ઉપર જશે, પરંતુ ટૂંક સમયમાં ઊંચા મૂલ્યાંકનથી વેચાણને ઉત્તેજન મળશે.