ગુજરાતમાં ઠંડીએ કર્યો પગપેસારો, નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ: ગુજરાતમાં હવે શિયાળાની ઋતુ ધીમેધીમે પગપેસારો કરી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. તો બીજી તરફ નલિયામાં સૌથી ઓછું એટલે કે 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ત્યારે આગામી પાંચથી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તી દ્વારા અનુમાન આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે, રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયુ હતું. આગામી પાંચથી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. રાજ્યમાં હાલ વરસાદ થવાની સંભાવના નથી.
રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે ફેરફાર થવાની સંભાવના નથી. દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લીમાં હાલ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે રાજ્યમાં અન્ય જગ્યાએ હવામાન ડ્રાય રહેવાની શક્યતા છે.
મિહઝોગ વાવાઝોડાના સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે દેશના દક્ષિણ ભાગમાં દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે વાવાઝોડાને લગતી અસર ગુજરાત પર થવાની વધારે સંભાવના નથી. જો કે અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે એમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.