આમચી મુંબઈ

ઈન્કમ ટેક્સ ઑફિસરના સ્વાંગમાં લાખો રૂપિયા પડાવનારી ટોળકીના આઠ સભ્ય લોકઅપભેગા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઇન્કમ ટેક્સ ઑફિસરના સ્વાંગમાં મહિલાના ઘરમાં પ્રવેશી બહેનના લગ્ન માટે રાખી મૂકેલા રૂ. 18 લાખ પડાવનારી ટોળકીના આઠ સભ્યને સાયન પોલીસે ઝડપી પાડી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આરોપીઓમાં ત્રણ રિયલ એસ્ટેટ એજન્ટનો સમાવેશ હોઇ એક જણ પાસેથી ઇન્કમ ટેક્સ વિભાગનું બોગસ આઇડી કાર્ડ જપ્ત કરાયું હતું.

સાયન પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ રાજારામ દાદુ માંગલે, અમરદીપ લક્ષ્મણ સોનવણે, સંતોષ પ્રથવીલાલ પટલે, ભાઉરાવ ઉત્તમ ઇંગળે, સુશાંત રામચંદ્ર લોહાર, શરદ હનુમંત એકાવડે, અભય લક્ષ્મણ કાસલે અને રામકુમાર છોટેલાલ ગુજર તરીકે થઇ હોઇ તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર સાયન પૂર્વમાં ટી.બી. ચિદમ્બરમ માર્ગ પર પ્રેમસદન ઇમારતમાં રહેતી શ્રીલતા રામકુબેર પટવાના ઘરે 26 નવેમ્બરના રોજ ચાર શખસ આવ્યા હતા, જ્યારે તેમનો સાથી ઇમારત નીચે ઊભો રહ્યો હતો. ચારેય શખસે આઇડી કાર્ડ બતાવીને પોતાની ઓળખ ઇન્કમ ટેક્સ ઑફિસર તરીકે આપી હતી અને શ્રીલેખાના ઘરમાં રાખી મૂકેલા રૂ. 18 લાખ પડાવી તેઓ રફુચક્કર થઇ ગયા હતા. આ ઘટના બાદ શ્રીલતાએ સાયન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઇ હતી.

પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં ઇનોવા કાર નજરે પડી હતી. એ કારના રજિસ્ટ્રેશન નંબરને આધારે તેના માલિકની માહિતી મેળવાઇ હતી, જેમાં કાર સરિતા માંગલે નામની મહિલાના નામે હોવાનું જણાયું હતું. કાર સરિતાનો પતિ રાજારામ વાપરતો હોવાનું જણાતાં તેને તાબામાં લેવાયો હતો. રાજારામની આકરી પૂછપરછમાં તેણે અન્ય સાત સાથીદાર સાથે મળી ગુનો આચર્યાની કબૂલાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button