નેશનલ

ચૂંટણીમાં હાર, સંસદનું સત્ર, બધું પડતું મૂકીને રાહુલ ગાંધી ઉપડ્યા વિદેશ.. હવે શું કરશે ખડગે?

હિન્દી હાર્ટલેન્ડમાં કોંગ્રેસનો સફાયો થતા INDIA ગઠબંધનને એક મોટો ફટકો પહોંચ્યો છે. દેશના અતિ મહત્વના 3 રાજ્યોની ચૂંટણીમાં હાર મળવાને કારણે INDIA ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચારો પહેલેથી જ વાયુવેગે પ્રસરી રહ્યા છે, ઉપરાંત સંસદનું શિયાળુ સત્ર પણ હાલ ચાલી રહ્યું છે. પણ રાહુલ ગાંધી એ છેવટે રાહુલ ગાંધી છે, અને સામાન્યપણે તેઓ જ્યારે પણ પડકારોનો સામનો કરવાનો આવે ત્યારે પક્ષ માટે કામ કરવાને બદલે અન્ય કાર્યો પર ધ્યાન આપવાનું વધારે પસંદ કરે છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની હારના બાકીના તમામ કારણો બાજુ પર મુકીએ તો પણ આ ત્રણેય રાજ્યોના વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ પણ કંઇક અંશે જવાબદાર છે એ તો માનવું જ રહ્યું. અશોક ગહેલોત, કમલનાથ અને ભૂપેશ બઘેલ સામે કોંગ્રેસે કાર્યવાહી કરવાની જરૂર છે, પરંતુ એ બાબતોમાં ધ્યાન આપવાને બદલે રાહુલ ગાંધી 9 ડિસેમ્બરે ઇન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા, અને વિયેતનામની યાત્રા પર જઇ રહ્યા છે. ત્યાંથી 14 ડિસેમ્બરે તેઓ પરત ફરશે.

દેશના સૌથી જૂના પક્ષના નેતાઓમાં ‘અહીં બધુ ચાલે’નો અભિગમ છે જે ખડગે અને રાહુલે ચૂંટણી પહેલા જ ખતમ કરવાની જરૂર હતી. ઉલટાનું, અહીં જે નેતાઓને કારણે ચૂંટણીમાં હાર મળે, તેમને ઘરભેગા કરવાને બદલે કમિટીના સભ્ય અથવા અન્ય કોઇ પદ આપી દેવાય છે. 2003 અને 2013માં રાજસ્થાનની ચૂંટણી જ્યારે ગહેલોત હારી ગયા હતા ત્યારે તેમને કોંગ્રેસના મહાસચિવ બનાવી દેવાયા હતા. 2003માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસ હારી ત્યારે દિગ્વિજયસિંહને પણ કમિટીમાં મહત્વનું સ્થાન અપાયું. ગત વર્ષે પંજાબની ચૂંટણીમાં હાર થઇ ત્યારે ચરણજીતસિંહ ચન્નીને કમિટીના સભ્ય બનાવી દેવાયા. હરીશ રાવત, અજય માકન, સુખવિંદર સિંહ રંધાવા, ગૌરવ ગોગોઇ અને અધીર રંજન ચૌધરી- આ એવા નામ છે જે સાબિત કરે છે કે કોંગ્રેસમાં જાણે હાર અપાવનાર નેતાઓને ઇનામ અપાય છે. ‘પાર્ટીની સેવા’ કરવાને નામે સિનીયર નેતાઓ વચ્ચે કમિટીમાં સ્થાન મેળવવાની હોડ જામે છે.

જો રાહુલે કડક પગલા લેવાની હિંમત બતાવવી હોય તો સૌથી પહેલા તો આ ત્રણેય રાજ્યોના કોંગ્રેસ પ્રમુખોનું રાજીનામું લઇ લેવું જોઇએ. કોંગ્રેસ પ્રમુખો હારના કારણોનો રિપોર્ટ તૈયાર કરવામાં, મનોમંથનના નાટકો કરવામાં, અન્ય નેતાઓ સાથે ચર્ચા કરવામાં સમયનો વેડફાટ કરતા હોય છે. ‘આત્મમંથન’ના બહાને તેઓ પોતાના બચાવ માટે કોઇને કોઇ દલીલો શોધી લેતા હોય છે.

કોંગ્રેસના સૂત્રોએ રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીની વિદેશયાત્રા પહેલેથી નક્કી થયેલી હતી. તેઓ વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના આમંત્રણને પગલે તથા ભારતીય સમુદાયને મળવા માટે ત્યાં જઇ રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેલંગાણામાં રેવંત રેડ્ડીના શપથગ્રહણ સમારોહમાં પણ કદાચ રાહુલ હાજર નહિ રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button