Michaung વાવાઝોડાં વચ્ચે ચેન્નાઇમાં ફસાયા આમિર ખાન, 24 કલાક બાદ બચાવ ટીમે ઉગાર્યો
સમગ્ર દક્ષિણ ભારતમાં Michaung ચક્રવાતની ગંભીર અસરો જોવા મળી રહી છે. ખાસ કરીને ચેન્નાઇમાં આ વાવાઝોડાંએ તબાહી મચાવી દીધી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલો મુજબ વિગતો સામે આવી છે કે બોલીવુડ અભિનેતા આમિર ખાન પણ ચેન્નાઇમાં 24 કલાક સુધી પૂરની સ્થિતિમાં ફસાયેલો રહ્યો હતો. જો કે તેને બચાવ કામગીરી કરતી ટીમ તથા ફાયર બ્રિગેડના કર્મીઓએ સહીસલામત બહાર કાઢી સુરક્ષિત સ્થાને પહોંચાડ્યો હતો.
તમિલનાડુમાં ચક્રવાત Michaungને કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. મુશળધાર વરસાદને પગલે શાળા-કોલેજો, ઓફિસો, ટ્રેન-ફ્લાઇટ સેવા બધું જ બંધ છે. સતત ફૂંકાતા પવનને કારણે અનેક સ્થળોએ વીજળીના થાંભલા તથા વૃક્ષો ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતના પણ સમાચાર છે.
વરસાદના કારણે ચેન્નઈમાં જેટલી જગ્યાઓએ તારાજી સર્જાઇ છે, તેમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા પોઇસ ગાર્ડનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. પોઇસ ગાર્ડનમાં રસ્તાની વચ્ચે એક મોટો ખાડો પડી ગયો હતો અને તેની અંદર એક થાંભલો ધરાશાયી થઇ ગયો હતો. પોઈસ ગાર્ડન એ દક્ષિણ ચેન્નાઈનો એક પ્રખ્યાત વિસ્તાર છે અને ત્યાં તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે જયલલિતાનું નિવાસસ્થાન હતું.
ચેન્નાઇમાં હાલ સ્થાનિકો આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ભેગો કરી રહ્યા છે. ખાસ કરીને પીવાના પાણીના કેરબાની ભારે માંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાત્રે ચેન્નાઈમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ એરપોર્ટ પર આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. રનવે પર પાણી ભરાઈ જવાને કારણે લગભગ 70 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. દક્ષિણ રેલવેએ ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડતી અને કોઈમ્બતુર અને મૈસૂર જતી ઘણી ટ્રેનોને સસ્પેન્ડ કરવાની માહિતી આપી છે. શહેરમાં 14 સબવે બંધ છે.