સીએમની રેસમાંથી ખસી ગયા શિવરાજ સિંહઃ આપ્યું ચોંકાવનારું નિવેદન

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપની જંગી જીત બાદ મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને અટકળો ચાલુ છે. સીએમની રેસમાં પહેલું નામ શિવરાજ સિંહ ચૌહાણનું છે, પરંતુ આજે શિવરાજ સિંહ ચૌહાણના એક નિવેદનથી મધ્યપ્રદેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે. શિવરાજ સિંહે આજે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તેઓ સીએમ પદની રેસમાં નથી. શિવરાજે કહ્યું કે, હું ન તો પહેલા સીએમ પદનો દાવેદાર હતો અને ન તો હવે છું. હું માત્ર પાર્ટીનો કાર્યકર છું અને પાર્ટી મને જે પણ પદ કે જવાબદારી આપશે તે હું નિભાવીશ.”તેમણે વધુમાં કહ્યું કે મારા નેતા માત્ર પીએમ મોદી છે, જે પણ કામ આપવામાં આવશે તે સારી રીતે કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં બીજેપીએ કોઈ ચહેરા પર નહીં પરંતુ પાર્ટીના નામ પર ચૂંટણી લડી હતી. હવે ચૂંટણીના પરિણામો બાદ તમામની નજર મુખ્ય પ્રધાન પદના ચહેરા પર છે. આ રેસમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ સિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર સિંહ તોમર, વીડી શર્મા અને શિવરાજ સિંહ ચૌહાણના નામો મુખ્ય છે.
પરંતુ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આ યાદીમાં સૌથી મોટું નામ છે અને આ રેસમાં સૌથી આગળ છે. જો કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન, તેમણે હંમેશા પક્ષને મહત્વ આપ્યું, અને રાજ્યભરમાં ઉત્સાહ સાથે મેદાનમાં રહ્યા. પરિણામે મધ્યપ્રદેશમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે.