મનોરંજન

જાણીતા કોમેડિયન અભિનેતાને થયું કેન્સર, બોલીવૂડના કલાકારો આઘાતમાં

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા કલાકાર અને ફિલ્મ નિર્માતા નઈમ સૈય્યદ ઉર્ફે જુનિયર મહેમૂદની ગંભીર હાલત છે. 67 વર્ષના અભિનેતાને નવેમ્બર મહિનામાં કેન્સર થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની સારવાર ચાલી રહી છે. જોકે, મહેમૂદને ચોથા સ્ટેજનું કેન્સર થયું હોવાના અહેવાલથી બોલીવૂડના કલાકારોએ ચિંતા સેવી હતી.

જુનિયર મહેમૂદ બે મહિનાથી બીમાર છે. શરુઆતમાં અમને એમ લાગ્યું હતું કે તેમને નાની કોઈ બીમારી થઈ હશે, ત્યારબાદ અચાનક તેમનું વજન ઘટવા લાગ્યું હતું. અમે મેડિકલ રિપોર્ટ કઢાવ્યા પછી કેન્સરનું નિદાન થયું હતું. મેડિકલ રિપોર્ટમાં તેમને લીવર, ફેફસામાં કેન્સર છે અને પેટમાં ગાંઠ હોવાનું જણાવ્યું હતું. હાલના તબક્કે તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ ડોક્ટરે તેમને છેલ્લા સ્ટેજનું કેન્સર થયું હોવાનું જણાવ્યું છે, એમ જુનિયર મહેમૂદના નજીકના મિત્ર સલામ કાજીએ જણાવ્યું હતું.

મહેમૂદને કેન્સર(છેલ્લું સ્ટેજ)ની બીમારી હોવાના સમાચાર બોલીવુડમાં વહેતા થયા પછી જાણીતા કોમેડિયન કલાકાર જોની લીવર પણ તેમને મળવા પહોંચ્યા હતા. જોની લીવરે જુનિયર મહેમૂદને મળવા પહોંચ્યા પછી મહેમૂદ બેડ પર સૂતા જોવા મળ્યા હતા, ત્યારબાદ બંનેએ કેમેરા સામે સ્માઈલ આપતા પોઝ પણ આપ્યો હતો. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ હાલમાં ઘરે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ કપૂરથી લઈને રાજેશ ખન્ના સુધીના તમામ અભિનેતા સાથે સુપરસ્ટારે કામ કર્યું છે. 1960-70ના દાયકામાં બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં જોવા મળતા જુનિયર મહેમૂદે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

જુનિયર મહેમૂદની જાણીતી ફિલ્મોમાં દો રાસ્તે, ઘર ઘર કી કહાની, આન મિલો સજના, કટિ પતંગ, બ્રહ્મચારી, મેરા નામ જોકર અને પરવરિશ વગેરેનું નામ લેવાય છે. આ ઉપરાંત, હરે રામ હરે કૃષ્ણા, બાપ નંબરી બેટા દસ નંબરી સહિત 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટિંગ સિવાય છ મરાઠી ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button