હવે આ ફિલ્મમેકર આવ્યા ‘એનીમલ’ના સપોર્ટમાં, કહ્યું, ‘ભારતના 80 ટકા પુરુષો ‘એનીમલ’ જેવા જ છે’
હિંસા અને નકારાત્મક વિષયો પર બનેલી ફિલ્મોની યાદી બનાવવા બેસીએ તો એમાં બોલીવુડના અમુક દિગ્દર્શકો તરત જ યાદ આવે. સંદીપ રેડ્ડી વાંગાની ‘એનીમલ’ ફિલ્મની કથા ગમે તેવી હોય, પરંતુ આ ફિલ્મને પસંદ કરનારો એક ચોક્કસ વર્ગ છે, અને આ વર્ગના લોકોએ જ આ ફિલ્મની કમાણીને 200 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી કરાવી છે. આ આંકડો પણ સતત આગળ વધી રહ્યો છે.
‘એનીમલ’ ફિલ્મના વિષયને લઇને ઇન્ટરનેટ 2 વર્ગમાં વહેચાઇ ગયું છે. એક એવા લોકો છે જે કહી રહ્યા છે કે આ પ્રકારની ફિલ્મોની સમાજ પર, યંગ જનરેશન પર અત્યંત ખરાબ અસર પડશે. તો બીજો વર્ગ કહી રહ્યો છે કે ફિલ્મને ફિલ્મની રીતે જોવી જોઇએ. એથી વિશેષ કોઇ અપેક્ષાઓ રાખવી ન જોઇએ. આમ, પ્રશંસા અને ટીકા એમ બે વિરોધાભાસી મંતવ્યો વચ્ચે બોલીવુડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપે સંદીપ રેડ્ડી વાંગાનું સમર્થન કર્યું છે અને કહ્યું છે, ‘લોકોએ અમને એ શીખવાડવાનું બંધ કરવું જોઇએ કે કેવી ફિલ્મો બનાવવી અને કેવી નહિ..’
એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે, “મેં હજી સુધી એનિમલ જોઈ નથી, હું હમણાં જ મારાકેશથી પરત ફર્યો છું. પરંતુ ઓનલાઈન જે વાતો થઇ રહી છે તે મને ખબર છે. ફિલ્મમેકર્સને કઈ ફિલ્મો બનાવવી અને કઈ ન બનાવવી તે કહેવાનો કોઈને અધિકાર નથી. આ દેશમાં લોકો ઝડપથી નારાજ થઈ જાય છે. કેટલાક લોકો મારી ફિલ્મોથી પણ નારાજ થાય છે. પરંતુ હું આશા રાખું છું કે શિક્ષિત લોકો આવી નાની વાત પર ગુસ્સે નહીં થાય.”
“ફિલ્મ મેકર્સને કોઇપણ વિષય પર ફિલ્મ બનાવવાનો પૂરો અધિકાર છે. આપણે તેમની ટીકા કરી શકીએ અથવા તો તેમની પ્રશંસા કરી શકીએ. ફિલ્મોમાં બતાવવામાં આવતી વસ્તુઓ પર આટલું રીએક્ટ ન કરવું જોઈએ. ફિલ્મો કોઈપણ વસ્તુ માટે જવાબદાર નથી. આ સમાજમાં તમામ પ્રકારના પાત્રો અને લોકો છે, અને ભારતના 80% પુરુષો કબીર સિંહ જેવા જ છે.” તેવું અનુરાગે જણાવ્યું.
બોલીવુડ તથા દક્ષિણની ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકો ‘એનીમલ’ના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ખાસ કરીને રણબીર કપૂરના અભિનયની અનેક લોકોએ ભરપૂર પ્રશંસા કરી છે. જો કે બોલીવુડના જાણીતા ગીતકાર અને ગાયક સ્વાનંદ કિરકિરેએ આ ફિલ્મમાં બતાવાયેલી શારીરિક-માનસિક હિંસા, કત્લેઆમ અને સ્ત્રીઓને અપમાનિત કરાતા સંવાદો સામે વાંધો જતાવ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે આ પ્રકારની ફિલ્મો ભારતીય સિનેમાને ખોટી દિશામાં લઇ જઇ રહી છે.