ટોપ ન્યૂઝનેશનલ

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું ‘મિગજોમ’, ગુજરાત પર વાવાઝોડાંની કેટલી અસર?

Cyclone michaung આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે. આંધ્રપ્રદેશના બાપટલા નજીક નેલ્લોર-મછલીપટ્નમ વચ્ચે વાવાઝોડું અથડાઇ ગયું છે. આ વાવાઝોડાની અસર આગામી 3 કલાક સુધી રહેવાની છે.

ચક્રવાતને પગલે સમગ્ર દક્ષિણ ભારતમાં હાઇ એલર્ટ છે. રાજ્ય સરકારે તિરૂપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 8 જિલ્લામાં NDRF અને SDRFની 5-5 ટીમો તહેનાત છે. હાલ આ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે.

ચેન્નાઇમાં સોમવારે વાવાઝોડાની ગંભીર અસરો જોવા મળી હતી. અવિરતપણે વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે રસ્તા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અનેક વાહનો તણાયા હતા. એરપોર્ટ પર પાણી ભરાઇ જતા આશરે 70 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી, તો કેટલીક ફ્લાઇટ્સને બેગ્લુરૂ ડાયવર્ટ કરવામાં આવી હતી. સમગ્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં શાળા-કોલેજો, ઓફિસો બંધ રહી હતી. અત્યાર સુધીમાં 8 લોકોના ચેન્નાઇમાં મોત થયા હોવાની પણ વિગતો સામે આવી છે.

મ્યાનમારે આ વાવાઝોડાને મિચૌંગ અથવા મિહજોગ એવું નામ આપ્યું છે. IMD એ બુધવાર સુધીમાં આંધ્રપ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તિરુપતિ એરપોર્ટના ડાયરેક્ટર કેએમ બસવરાજુએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સોમવારે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેમાં 14 શિડ્યુલ્ડ અને એક નોન-શિડ્યુલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ, પુડુચેરી-તેલંગાણા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિદર્ભ, કર્ણાટકમાં પણ હળવા વરસાદની શક્યતાઓ છે.

https://twitter.com/i/status/1731946911349801337

ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળશે, આમ તો ગુજરાતમાં પહેલેથી જ માવઠાનો માહોલ છે, એવામાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે. ગુજરાતમાં જો કે વાવાઝોડાની સામાન્ય અસર જોવા મળશે. રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જેમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે મંગળવાર તેમજ બુધવારે પણ અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાશે. એટલે માવઠાનો ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી શકે છે.

સાબરકાંઠા, દાહોદ, સુરત, મહિસાગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડવાની સંભાવના છે. તેમજ છોટાઉદેપુર, સુરત, નર્મદા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button