દેશમાં આત્મહત્યાના વધતા બનાવો, દર કલાકે 19ના મોત: મહારાષ્ટ્ર છે અવ્વલ
મુંબઇ: છેલ્લાં એક વર્ષમાં મહારાષ્ટ્રમાં આત્મહત્યાના સૌથી વધુ બનાવો બન્યા હોવાનો આઘાતજનક અહેવાલ સામે આવ્યો છે. છેલ્લાં એક વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ આત્મહત્યા થઇ છે. આંકડાઓની વાત કરીએ તો એક વર્ષમાં તો મહારાષ્ટ્રમાં છેલ્લાં એક વર્ષમાં 22,746 આત્મહત્યાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ 19,834 આત્મહત્યાના કેસ તમિલનાડૂમાં નોંધાયા છે. આખા દેશમાં દર કલાકે 19 લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલું ઉઠાવે છે એવા આંકડા આ અહેવાલમાં ટાંકવામાં આવ્યા છે. ગરીબી, બેકારી, દેવું વગેરે કારણોસર આત્મહત્યાના બનાવો વધ્યા હોવાની વિગતો પણ આ અહેવાલમાં ટાંકવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં નાદારી અને દેવાને કારણે 1941 આત્મહત્યા થઇ હોવાની વિગતો આ અહેવાલમાં ટાંકવામાં આવી છે. ત્યાર બાદ કર્ણાટકમાં 1335 અને આંધ્ર પ્રદેશમાં 815 લોકોએ નાદારી અને દેવાને કારણે આત્મહત્યા કરી છે. રાજ્યમાં બેરોજગારીને કારણે 642, ગરીબીને કારણે 402 અને કાર્યક્ષેત્રની સમસ્યાઓને કારણે 640 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મહારાષ્ટ્રમાં પારિવારીક કારણોસર આત્મહત્યા કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. પાછલાં એક વર્ષમાં પારિવારીક કારણોસર લગભગ 6961 આત્મહત્યાના બનાવો બન્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડૂ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ આ પાંચ રાજ્યમાં મળીને દેશના કુલ આત્મહત્યાના બનાવોમાંથી 49.3 ટકા આત્મહત્યા થઇ હોવાની વિગતો જાણવા મળી છે.
2021માં 1,64,033 આત્મહત્યાના બનાવો નોંધાયા હતાં. જ્યારે 2022માં 1,70,924 આત્મહત્યા થઇ હતી. જેમાં સૌથી વધુ આત્મહત્યા ના કેસ મહારાષ્ટ્રમાં 13.3 ટકા, તામિલનાડૂમાં 11.6 ટકા, મધ્ય પ્રદેશમાં 9 ટકા, કર્ણાટકમાં 8 ટકા અને પશ્ચમ બંગાળમાં 7.4 ટકા બનાવો નોંધાયા હતાં. આંકડાઓની ગણતરી કરીએ તો 2022માં દેશમા દર કલાકે 19 લોકો આત્મહત્યા કરે છે એમ સાફ દેખાય છે. કૃષી ક્ષેત્રે દર કલાકે એક કરતાં વધુ ખેડૂતો અને ખેતમજૂરો આત્મહત્યા કરી રહ્યાં છે.
આખા દેશમાં 18.4 ટકા આત્મહત્યાના બાનવો ગંભીર બિમારીને કારણે થતી હોય છે. 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશસહિતના પ્રદેશોમાં ગંભીર બિમારીને કારણે થતી આત્મહત્યાનું પ્રમાણ પણ સરેરાશ કરતાં વધુ છે. અંદમાન અને નિકોબાર, પંજાબ, તમિલનાડૂ, સિક્કીમ અને ગોવા આ રાજ્યમાં બિમારીને કારણે આત્મહત્યા કરવાનું પ્રમાણ સૌથી વધુ છે