સ્પોર્ટસ

પ્રથમ વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું, કેપ્ટન હોપની અણનમ સદી

નોર્થ સાઉન્ડ (એન્ટિગુઆ): કેપ્ટન શાઈ હોપની અણનમ સદી અને રોમારીયો શેફર્ડની ૨૮ બોલમાં રમાયેલી ૪૮ રનની તોફાની ઈનિંગ્સની મદદથી વેસ્ટ ઈન્ડિઝે રવિવારે અહીં પ્રથમ વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું.
વન-ડે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલી ઈંગ્લેન્ડે નિર્ધારિત ૫૦ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૩૨૫ રન કર્યા હતા. કેપ્ટન જોસ બટલરે ૧૩ બોલમાં ત્રણ રન કર્યા હતા.
મોટા ટાર્ગેટની સામે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર ૩૯ ઓવર પછી પાંચ વિકેટે ૨૧૩ રન હતો, પરંતુ હોપના ૮૩ બોલમાં અણનમ ૧૦૯ રન અને શેફર્ડની આક્રમક ઈનિંગ્સના આધારે વેસ્ટ ઈન્ડિઝે ૪૮.૫ ઓવરમાં છ વિકેટે ૩૨૬ રન કરી મેચ જીતી લીધી હતી. હોપે તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.
તેણે સેમ કુરનની ઓવરમાં ચાર બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી. જેની મદદથી વેસ્ટ ઈન્ડિઝને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળી હતી. કુરને ૯.૫ ઓવરમાં ૯૮ રન આપ્યા હતા. હોપે પોતાની ઇનિંગ દરમિયાન વન-ડેમાં ૫,૦૦૦ રન પૂરા કર્યા હતા.
ઓપનર એલેક અથાનાઝે ૬૬ રન, બ્રાન્ડોન કિંગે ૩૫ અને શિમરોન હેટમાયરે ૩૨ રનનું યોગદાન આપ્યું હતું.આ પહેલા ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ ૭૧ રન કર્યા હતા જ્યારે ઓપનર ફિલ સોલ્ટે ૨૮ બોલમાં ૪૫ રનની ઈનિંગ રમી હતી. કુરને ૨૬ બોલમાં ૩૮ રન કર્યા હતા. બ્રેડન કારસે ૨૧ બોલમાં અણનમ ૩૧ રન ફટકારીને ઈંગ્લેન્ડને ૩૦૦ રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button