તરોતાઝા

શિંગની ચિક્કી સ્વાદિષ્ટ અને આરઓર્ગ્ય વધક

સ્વાસ્થ્ય – કિરણ ભાસ્કર

બધા ગળ્યા પદાર્થો આરોગ્ય માટે હાનિકારક નથી હોતાં. કેટલાક એવા પણ પદાર્થો છે જે આપણી જીભને તો આનંદ આપે જ છે, સાથે આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આવો જ એક સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ગળ્યો નાસ્તો છે, શિંગની ગોળ સાથે બનાવેલી ચિક્કી , જેને ઉત્તર ભારતમાં શિંગની ગજક પણ કહેવાય છે. આપણે ત્યાં શિયાળામાં, ખાસ કરીને ઉત્તર-મધ્ય અને પશ્ર્ચિમ ભારતમાં ગજક એટલે કે ચિક્કી ખાવાની બહુ જૂની પરંપરા છે. દિવાળી પૂરી થતાં જ આ ક્ષેત્રોમાં ઠેકઠેકાણે તેનું વેચાણ શરૂ થઇ જાય છે. કારણકે શિયાળામાં ગજક ખાવી માત્ર સ્વાદનો આનંદ જ નથી, પણ આપણા આરોગ્યની મરામત કરવા જેવું પણ છે. શિંગની ચિક્કી, જે પરંપરાગત રીતે ગોળ સાથે જ બનતી હોય છે, તેને કારણે કેટલાક તેને ગોળની પટ્ટી પણ કહે છે, તો સમજી લો કે તમે માત્ર તમારા સ્વાદ નું જ નહીં, આરોગ્ય ઉપર પણ ધ્યાન રાખી રહ્યા છો. શિંગની ચિક્કીમાં ગોળ હોવાને કારણે તે એન્ટીઓક્સીડંટ અને હાનિકારક પ્રદુષણ કણોથી લડવામાં મદદરૂપ હોય છે, સાથે આપણા પાચનને પણ દુરસ્ત રાખવામાં સહાયક છે. મગફળીની ચિક્કી ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

ચિક્કી ખાવાના ફાયદા

ચિક્કી ખાવાના ઘણા ફાયદા છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેના સ્વાદને કારણે જેટલું ખાવા માટે લલચાવે છે તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. તમને ખબર જ હશે કે ચિક્કી ખાવામાં આપણા જડબાંને પણ મહેનત કરવી પડે છે. તેથી કુદરતી રીતે આપણા ચહેરાની માલિશ થઇ જાય છે. સાથે, તેને ખાવાથી ચામડી ઉપર પણ ચમક આવે જાય છે. ચિક્કીમાં ઘણા સોજા વિરોધી ગુણ હોય છે. તેને કારણે શિયાળામાં આપણે ઊર્જાવાન અને સક્રિય રહીએ છીએ. તેમાં વિટામિન ઈ અને ઝીંક જેવા પોષક તત્ત્વો હોય છે, તેથી તે આપણી ચામડીને સ્વસ્થ અને ચમકદાર રાખે છે. તેને ખાવાથી આપણા વાળમાં પણ ચમક આવે છે.

પ્રવાસ માટેનો નાસ્તો

મગફળીની ચિક્કી પ્રવાસ માટેના પાક્કા નાસ્તાની ગરજ સારે છે. એક તો તેને ક્યાંયપણ અને ક્યારેયપણ બહુ આસાનીથી ખાઈ શકીએ છીએ, શરત એટલી કે આપણા દાંત મજબૂત હોવા જોઈએ! બાકીના નાસ્તા ખાતી વખતે પ્રવાસમાં પડી જવાનો કે કપડાં ખરાબ થવાનો ડર રહે છે, ત્યાં ચિક્કી આરામથી હાથમાં લઈને ખાઈ શકાય છે. ન કંઈ ગંદકી થાય, ન ક્યાંય કશું ખરાબ થાય. તેનાથી પ્રવાસમાં આપણી ભૂખ સંતોષાય છે અને આપણને સંતુષ્ટ રાખે છે. શિંગની સો ગ્રામ જેટલી ચિક્કીમાં ૪૯૦ કિલો કેલેરી જેટલી ઉર્જા હોય છે, ૧૭ ગ્રામ પ્રોટીન હોય છે, ૫૭ ગ્રામ શુદ્ધ કાર્બ્સ હોય છે અને ૨૯ ગ્રામ વસા હોય છે.

આરોગ્ય માટે છે ઉપકારક

શિંગની ચિક્કીમાં વિટામિન ઈ, ઝીંક અને એન્ટીઓક્સીડંટ ગુણો હોવાને કારણે તે આપણી ત્વચાને ચમકદાર તો બનાવે જ છે, પણ આપણી નર્વસ સિસ્ટમને પણ ભરપૂર મજબૂતી આપે છે. તેમાં ફાઈટો ફનોલ્સ નામનું જે તત્વ મળી આવે છે, તે આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે, સાથે જ ભવિષ્યમાં અલ્ઝાઇમર જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. યુવાનીમાં જો આપણે શિંગની ચિક્કીને આપણા નિયમિત નાસ્તાનો એક ભાગ બનાવ્યો હોય તો અલ્ઝાઇમર જેવી બીમારી આપણાથી દૂર રહે છે. આપણે શિયાળામાં એવી કસરતો નથી કરી શકતા જેવી અન્ય દિવસોમાં કરીએ છીએ, એટલે ગોળ અને શિંગનું શરીરમાં જવું ફાયદાકારક સાબિત થાય છે. શિંગમાં ભરપૂર માત્રામાં એમિનો એસિડ મળી આવે છે, જે આપણા શરીરને મજબૂત બનાવે છે. સાથે જ શરીરમાં થતી અનેક પ્રકારની તોડફોડથી આપણને સુરક્ષિત રાખે છે. કુલ મળીને ચિક્કી ખાવાથી આપણો આત્મા જ તૃપ્ત નથી થતો, પણ આપણું સ્વાસ્થ્ય પણ અવ્વ્લ રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button