તરોતાઝા

‘આદું’ શિયાળાનું ઉત્તમ ઔષધ

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણવેલ રસોડાની અંદરનાં ઔષધ દ્રવ્યોમાં આદુંનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. આદુંને સંસ્કૃતમાં આદ્રક કે કટુભદ્ર કહે છે અને તેનું લેટિન નામ ઝીંઝીબર ઓફિસીનાલિસ છે. આદુંનો રસ કટુ એટલે કે તીખો અને તીક્ષ્ણ છે, પરંતુ વિપાક મધુર છે. એટલે હોજરીમાં પચ્યા પછી આદું મધુર બની જાય છે. ‘આદું ગરમ પડે’ – એ માન્યતા સાવ પાયાવિહોણી ને ખોટી છે. ચોમાસા ને શિયાળામાં વધુ ઉપયોગી એવું આદું આમ જુઓ તો આખું વર્ષ સેવન કરવા યોગ્ય છે. શાસ્ત્રમાં આદુંને પ્રતિદિન સેવનીય પથ્ય કહ્યું છે.

આદુંમાં નવા કોષો બનાવવાની (એનાબોલિઝમ) તેમ જ દોષોનો નાશ કરવાની (કેટાબોલીઝમ) બન્ને ક્ષમતાઓ છે. એટલે ચયાપચયની ક્રિયામાં આદું ખૂબ ઉપયોગી નીવડે છે.
દરરોજ જમ્યાં પહેલાં આદુંનો નાનો ટુકડો સૈન્ધવ સાથે ચાવીને ખાવાથી દિપન (ભૂખ લાગવી – એપેટાઇઝર) અને પાચન (ખોરાકનું પચવું – ડાઇજેસ્ટીવ) બન્ને કાર્યો ઉત્તમ રીતે થાય છે.

એક ઘરગથ્થુ સ્વાસ્થ્યરક્ષક અને રોગપ્રતિકારક ક્ષમતાવર્ધક પ્રયોગ તરીકે રોજ સવારે હરડે લેવાથી અને રોજ જમ્યાં પહેલાં આદું કે આદુંનો રસ લેવાથી ખૂબ ઉત્તમ પરિણામ પ્રાપ્ત
થાય છે.

આદું અને આદુંનો રસ શરીર માટે ઘણાં મહત્ત્વના કાર્યો કરે છે. જેમ કે, ગળામાં ચોંટેલા કફને છૂટ્ટો પાડે છે, અવાજ ખોલે છે, હૃદ્ય (હૃદયને શક્તિ આપનાર) છે, વાયુનું અનુલોમન કરે છે એટલે ગેસ, અપચો, ગભરામણ દૂર કરે છે, જૂની શરદીમાં આદું ખૂબ ગુણકારી છે. નિયમિત અને લાંબો સમય સેવન કરવાથી વારંવાર થતી શરદી અવશ્ય મટે છે.

સામાન્ય રીતે વૈશાખ મહિનામાં આદુંનું વાવેતર થાય છે. ચોમાસામાં આદું ઉગે છે ને કારતકમાં એકદમ પાકટ બને છે. એટલે કારતકનું આદું શ્રેષ્ઠ કહ્યું છે.

તદુપરાંત તમામ પ્રકારનાં કૃમિમાં આદું અસરકારક છે. આધુનિક વિજ્ઞાનમાં વર્ણીત હુક વર્મ, થ્રેડ વર્મ, રાઉન્ડ વર્મ, ટેપ વર્મ વગેરે તમામ કૃમિમાં આદું ઉપયોગી છે. આદુ સારાંમાં સારું મૂત્રલ છે. આદુથી પેશાબ એકદમ સાફ અને છૂટથી આવે છે. આમવાત એટલે કે રહુમેટોઇડ અર્થરાઈટિસમાં પણ આદુંનાં ચમત્કારીક પરિણામ જોવામાં આવ્યાં છે. આદુંમાંથી જ બનતી સૂંઠ આદું કરતાં જુદાં ગુણધર્મો ધરાવે છે. પણ, ચુનાનું પાણી વાપરીને બનાવાતી સૂંઠ નુકસાનકારક નીવડે છે.

જે લોકોને શરીરમાં કારણ વગરની કળતર થતી રહે છે તેમના માટે તો આદું આશીર્વાદ સમાન છે. આવા દર્દીઓ માટે એક અનુભૂત પ્રયોગ યાદ રાખવા જેવો છે. ૧૦ ગ્રામ આદુંને ખૂબ ઝીણું કચરીને ૧ ચમચી ઘી મૂકીને શેકી નાખવું, તેમાં બે ચમચી ગોળ નાખેલું પા કે અડધો કપ પાણી ઉમેરી પાણી બળી જાય ત્યાં સુધી પકાવવું. ત્યારબાદ ઠંડુ થયે સેવન કરવું. લાંબા સમય સુધી ધીરજપૂર્વક આ પ્રયોગ કરવાથી કોઈ કારણ વગર થતો માથાનો દુ:ખાવો અને શરીરનો દુ:ખાવો (કળતર) બન્ને મટે છે.

“સાજાને આદું અને માંદાને મગ આ ઉક્તિ ખરેખર ખૂબ સાચી છે. આદું તેનાં સ્વાસ્થ્ય રક્ષક ગુણને લઈને સમાજમાં પણ ખૂબ જ પ્રસિદ્વ ને લોકપ્રિય છે. આદુંનો સ્વતંત્ર અને ચા, ઉકાળો, દૂધ, દાળ, શાક, સલાડ, ચટણી વગેરે અનેકાનેક વ્યંજનોમાં ઉપયોગ રોગીને ઔષધિ પ્રત્યે સૂગ કે કંટાળાથી બચાવે છે.

આ રીતે હરએક ઘરમાં હાથવગું એવું આદું એક અત્યંત ઉપકારી ઔષધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button