શિયાળામાં વધારે પેશાબ આવે છે? તો કરો મલાસન, મળશે રાહત
હેલ્થ વેલ્થ – દિવ્યજ્યોતિ ‘નંદન’
શિયાળો શરૂ થતાં જ ઘણા લોકોને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા સતાવે છે. ઘણાને તો જોરથી હસવા કે છીંક આવવાથી પણ પેશાબ નીકળી જાય છે. તેનો અર્થ છે કે તમારું બ્લેડર ઓવેરિએક્ટિવ છે. આ સમસ્યામાં કેટલાંક યોગાસનો કરીને કાબૂ મેળવી શકાય છે. આ સમસ્યાનું કારણ છે પેલ્વિક ફ્લોરના મસલ્સનું નબળું હોવું. હકીકતમાં પેલ્વિક ફ્લોર એ બધી માંસપેશીઓનો સમૂહ છે જે મૂત્રાશય, ગર્ભાશય, પ્રોસ્ટેટ, યોનિ, મલાશય, અને ગુદા સાથે જોડાયેલી હોય છે. પેલ્વિક ક્ષેત્ર જાંઘની ઉપર અને નાભિની નીચે મોજૂદ
હોય છે.
નિયમિત યોગાસન એક એવો ઉપાય છે જે આપણને પેલ્વિક ફ્લોરને મજબૂત કરી શકે છે. પેલ્વિક ફ્લોરના મજબૂત થવાથી વધી ગયેલા પ્રોસ્ટેટનાં લક્ષણોમાં પણ સુધાર થાય છે, તણાવ ઓછો થાય છે અને સમગ્ર સ્વાસ્થ્ય બહેતર થાય છે. સવાલ એ છે કે એવા કયાં કયાં આસનો છે જે કરવાથી આપણા પેલ્વિક ફ્લોર મજબૂત થાય છે? આમ તો, પેલ્વિક ફ્લોરને મજબૂત કરવા ઘણાં આસનો છે, જેમની મદદ લઇ શકાય છે, જેમકે સૂર્ય નમસ્કાર, વજ્રાસન, હનુમાનાસન, વીરભદ્રાસન, ભૂ-નમન આસન, અને મલાસન. આ બધા આસનો આ સમસ્યાને સુલઝાવવામાં એક હદ સુધી પ્રભાવી છે. પણ તેમાં સૌથી વધુ આસાન અને પ્રભાવી આસન હોય તો તે મલાસન છે. આ આસનને ગારલેન્ડ પોઝના નામે પણ ઓળખાય છે. મલાસન આપણા કુલ્હા ખોલવામાં મદદ કરે છે. તે કમર અને આંતરિક જાંઘના મસલ્સને ફેલાવવા અને સંકોચનમાં પણ મદદ કરે છે. તે કુલ્હા અને આંતરિક જાંઘના ભાગોમાં એક ખેંચાવ પેદા કરે છે. શરીરના નીચલા હિસ્સાને અનિવાર્યપણે સ્ટ્રેચ કરે છે. ઉપરાંત તેને કરવું પણ બહુ આસાન છે. આ આસન કરવાથી યુટેરસ, બ્લેડર, નાનું આંતરડું અને રેક્ટમ આદિને મજબૂતી મળે છે. તેથી આ આસન નિયમિત રૂપે કરવાથી મૂત્રાશય પર નિયંત્રણ સાથે યૌન ક્રિયા પણ બહેતર થાય છે. મલાસન એક બેહદ સરળ યોગાસન છે. તમારે માત્ર આટલું કરવાનું છે કે તમારી એડી પર જેટલું સંભવ હોય તેટલું નજીક બેસવાનું છે અને તમારી જાંઘોને શરીરથી અલગ કરવાની છે. ચાલો જાણીએ કે નિષ્ણાતોના નિર્દેશાનુસાર યોગ્ય રીતે મલાસન કેવી રીતે કરાય જેથી તે આપણા પેલ્વિક એરિયાને મજબૂત કરે અને મૂત્રાશય પર નિયંત્રણ રહે. મલાસન કરવાની શરૂઆત કરતી વખતે એક મિનિટ આંખો બંધ કરીને દોહરાવો કે જે રીતે જમીન પર મળત્યાગ કરતી વખતે બેસીએ છીએ, તેવી રીતે જ બેસવાનું છે. હવે તમારી યોગ મેટ ઉપર સીધા ઊભા થઇ જાઓ. કરોડરજ્જુમાં ખેંચાણ અનુભવાય તેવી રીતે પેટને અંદર તરફ લઇ જાઓ અને ખભાને ખેંચીને ઊંડો શ્ર્વાસ લો. પછી હાથોને પ્રણામની મુદ્રામાં લો અને શ્ર્વાસ છોડતા છોડતા ગોઠણને આધારે બેસી જાઓ. ધ્યાન રહે કે આ સમયે બંને હાથની કોણીઓ ગોઠણ ઉપર ટેકવવાની છે અને હથેળીઓને બિલકુલ નમસ્કારની મુદ્રામાં લઇ આવવાની છે. થોડી ક્ષણો પછી ધીમેધીમે શ્ર્વાસ અંદર તરફ ખેંચો અને તેની થોડી સેકંડો પછી આસનને વિરામ આપો. ઓછા માં ઓછું બે થી ત્રણવાર આ આસનને દોહરાવો. શરૂઆતમાં કોઈ ટેકાના આધારે આસન કરવું, નહોતો પડી જવાનો ભય રહેલ છે. ધીમે ધીમે તમે કોઈ આધાર લીધા વિના તમે આ આસન કરી શકશો.
મલાસનના અન્ય ફાયદા
તે મૂત્રાશય પર આપણું નિયંત્રણ તો વધારે જ છે, પણ તેના અન્ય પણ ફાયદા છે. તે કુલ્હા અને જાંઘોની તકલીફોથી છુટકારો અપાવે છે. તેનાથી એકાગ્રતા વધે છે. જેને સિક્સ પેક બનાવવાનો શોખ હોય તેમને આ આસન દ્વારા મદદ મળે છે. તેનાથી ડાયજેશન બરાબર રહે છે. મેટાબોલિઝ્મની કાર્યક્ષમતા વધે છે. તેનાથી કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. પેટની માંસપેશીઓ ટોન થાય છે. સાથે તે ગોઠણ અને ઘૂંટીને સ્થિતિસ્થાપક બનાવે છે.
સાવધાની જરૂરી છે.
જો તને ગોઠણ અથવા કરોડરજ્જુમાં ઇજા થઇ હોય તો આ આસન ભૂલથી પણ ન કરશો. નહીતો તારું દર્દ વધી જશે અથવા તમારી ઇજા વકરી શકે છે. મળત્યાગ કર્યા વિના માલસન ન કરવું જોઈએ. નહીતો આસન કરતી વખતે મળત્યાગ થઇ શકે છે. મલાસન કરતી વખતે જો જરા પણ તકલીફ થતી હોય તો એડીઓ નીચે કોઈ જાડો સપોર્ટ રાખવો. જો તમારું વજન વધારે હોય તો શરૂઆતમાં એવી જગ્યાએ આ આસન કરો જ્યાં તમારું સંતુલન જાળવવા તમે કોઈ વસ્તુને પકડી શકો અથવા કોઈની મદદ લો, નહીતો પડવા-વાગવાની સંભાવના રહેલી છે.