નેશનલ

ત્રણ રાજ્યમાં મહિલા યોજનાઓએ જીત અપાવી, પણ કેટલી મહિલા બની વિધાનસભ્ય?

રાયપુર-ભોપાલ: ભાજપની છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમા જીત માટે માહતરી વંદન યોજના અને લાડલી બહેના યોજના ને જશ આપવામાં આવે છે. મહિલા મતદારોએ ભાજપમાં વિશ્વાસ દાખવ્યો અને તેથી જીત શક્ય બની તેમ પણ રાજકીય વિશ્ર્લેષકો કહે છે. માત્ર ભાજપ જ નહીં દરેક પક્ષ મહિલા મતદારોને રિઝવવા અનેક યોજનાઓ જાહેર કરે છે, પરંતુ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવા વિધાનસભામાં પહોંચેલી મહિલાઓની ટકાવારી લગભગ 13ની આસપાસ જ છે. મતદારોમાં અડધોઅડધ મહિલા હોવા છતાં મહિલા વિધાનસભ્યોની સંખ્યા મર્યાદિત છે, તો ચાલો જાણીએ કે ત્રણ રાજ્યમાં કેટલી મહિલા વિધાનસભ્ય વિધાનભવન પહોંચી છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) ના અહેવાલોના વિશ્લેષણ મુજબ બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસએ ચાર રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં 148 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.


તેમાં શરૂઆત રાજ્સ્થાનથી કરીએ તો રાજસ્થાનમાં વિધાનસભાની 200 બેઠકમાંથી 199 પર ચૂંટણી યોજાઈ હતી. ભાજપના 155 ઉમેદવારો જીત્યા છે. રાજસ્થાનમાં ભાજપની ટિકિટ પર માત્ર નવ મહિલા ધારાસભ્ય બની છે. આમાંના બે નામ મહત્ત્વના છે. પહેલું નામ પૂર્વ સીએમ વસુંધરા રાજેનું છે અને બીજું નામ દિયા કુમારીનું છે. તે બીજેપીમાંથી સાંસદ પણ છે, તેમણે 14 દિવસમાં નક્કી કરવાનું છે કે તે સાંસદ રહેશે કે ધારાસભ્ય રહેવાનું પસંદ કરશે.


રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઈ છે, પરંતુ 69 વિજેતા ઉમેદવારોમાંથી નવ મહિલા નેતાઓ છે. કોંગ્રેસ માટે બહુ ફેરફાર થયો નથી, કારણ કે 2018માં મહિલા ઉમેદવારોની સંખ્યા 13.1% હતી, જે 2023માં વધીને 14.1% થઈ ગઈ છે. બે મહિલા અપક્ષ ઉમેદવારો – ડૉ. રિતુ બાણાવત અને ડૉ. રિતુ ચૌધરીએ પણ તેમની બેઠકો જીતી છે. આ વખતે રાજસ્થાનના સભાગૃહમાં માત્ર 10% મહિલાઓ જ જોવા મળશે, અગાઉના ગૃહમાં આ સંખ્યા 12% હતી. રાજસ્થાનમાં આ વખતે કુલ 20 મહિલાઓને ધારાસભ્ય 2018માં 24 મહિલાઓ ધારાસભ્ય બન્યાં હતાં.


લાડલી બહેના યોજનાથી જાણીતાં થયેલા મધ્ય પ્રદેશમાં 230 ધારાસભ્યોમાંથી 27 મહિલા છે. મહિલા મતદારોને આકર્ષવા માટે મધ્યપ્રદેશ ભાજપે ‘લાડલી બહેના યોજના’ લાવી હતી. રાજ્યમાં ભાજપે મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂક્યો હતો પરંતુ ચૂંટણી મેદાનમાં આવી પહેલ દેખાતી નથી. ભાજપના નવા ચૂંટાયેલા 163 ધારાસભ્યોમાંથી 21 મહિલા છે.


કોંગ્રેસના 65 વિજેતા ઉમેદવારોમાંથી માત્ર પાંચ મહિલા છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કુલ 2534 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી માત્ર 253 મહિલાઓ હતી. 2018ની સરખામણીમાં આ વખતે મહિલા ઉમેદવારોની સંખ્યા થોડી વધુ હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં 235 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. આ વખતે ભાજપે 28 અને કોંગ્રેસે 30 મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. 2018માં આ સંખ્યા અનુક્રમે 24 અને 27 હતી.


તો બીજી બાજુ સૌથી વધુ મહિલા ધારાસભ્યોવાળા છત્તીસગઢના 90 ધારાસભ્યોમાંથી 19 મહિલા છે. આ વખતે છત્તીસગઢમાં ભાજપના 54 વિજેતા ઉમેદવારોમાંથી 9 મહિલાઓ છે. કોંગ્રેસના કુલ 11 મહિલા ઉમેદવારો જીત્યા છે અને આ તેના 35 વિજેતા ઉમેદવારોમાંથી લગભગ એક તૃતીયાંશ છે. આઉટગોઇંગ ગૃહમાં 18% ધારાસભ્યો મહિલાઓ હતા. આ વખતે કુલ ધારાસભ્યોમાં 21.1 ટકા મહિલાઓ છે.


છત્તીસગઢ એક એવું રાજ્ય છે જ્યાં પ્રથમ ચૂંટણીથી મહિલા ઉમેદવારો અને મહિલા ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. 2003માં માત્ર પાંચ મહિલાઓ ચૂંટાઈ હતી તેમાંથી 2018માં 16 મહિલાઓ ચૂંટાઈ રહી છે, રાજ્યમાં મહિલા ધારાસભ્યોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.


આમ ત્રણ રાજ્યની કુલ 519 ચૂંટાયેલા વિધાનસભ્યમાંથી 66 મહિલા છે એટલે કે મહિલા પ્રતિનિધિત્વની ટકાવારી 12.72 ટકા જ છે. ત્યારે મહિલાઓના મત મેળવવા માટે મહેનત કરતા પક્ષો તેમનાંમા નેતાગીરીને વિકસાવવા અને તેમને પ્રતિનિધિત્વ આપવામા પણ કરે તે વધારે આવકારદાયક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button