લીકર કેસમાં ‘આપ’ના નેતા સંજ્ય સિંહની કસ્ટડી વધારાઈ
નવી દિલ્હી: દિલ્હી લીકર કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના એમપી સંજયસિંહની જ્યુડિશિયલ કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. સંજય સિંહને આજે દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ઇડીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસીને લઈને મની લોન્ડરિંગ કરવાના આરોપમાં આ વર્ષે ચાર ઓકટોબરે સંજય સિંહને અટક કરી હતી. હવે આ મામલે શનિવારે ચાર્જશીટ દાખલ કરી હતી.
અદાલત સામે સુનાવણી દરમિયાન ઇડીએ અરજી દાખલ કરી હતી, જેમાં સંજય સિંહ સામે દાખલ કરાયેલી ચાર્જશીટને સીલ કરેલા પેકેટના રાખવામા આવે, જેથી આ કેસમાં સાક્ષીઓની ઓળખ ગુપ્ત રહે. ઇડીની આ અરજીને લઈને અદાલતે જણાવ્યું હતું કે આ પ્રકારની અરજી ચાર્જશીટને દાખલ કરતાં પહેલા કરવામાં આવી જોઈએ. કોર્ટે ઇડીની આ અરજીને સ્વીકારી ચાર્જશીટને સીલ બંધ પેકેટમાં રાખવો આદેશ આપ્યો હતો. આ મામલે હવે બુધવારે ચુકાદો આપવામાં આવશે.
અદાલતના આ આદેશનો વિરોધ કરતાં કહ્યું કે ઇડીએ આ મામલે ચાર્જશીટ પહેલા જ મીડિયા સામે રજૂ કરી દીધી છે. આરોપીને ચાર્જશીટની નકલ મળે એ તેમનો અધિકાર છે તેને અટકાવી શકાય નહીં. સંજય સિંહ સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની 11 ડિસેમ્બરે રાઉસ એવન્યુ કોર્ટ દ્વારા વધુ ઊંડાણથી તપાસ કરવામાં આવશે. ઇડીની અરજીને સ્વીકાર્યની સાથે કોર્ટે દાખલ કરેલી ચાર્જ શીટને સંજય સિંહના વકીલને પણ આપવાનો આદેશ આપ્યો હતો.
તપાસ એજન્સીએ આરોપ મૂક્યો હતો કે આરોપી વ્યાપારી દિનેશ અરોરાએ એમપી સંજય સિંહના નિવાસસ્થાને બે હપ્તાઓમાં બે કરોડ રૂપિયાની રોકડ રકમ આપી હતી. આ લેવડદેવડ ઓગસ્ટ 2021 અને એપ્રિલ 2022 વચ્ચે થઈ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આમ આદમી પાર્ટી (આપ)ના અનેક મોટા નેતાઓની આ મામલે ઇડીએ ધરપકડ કરી છે. સંજય સિંહે આ મામલે વિરોધ કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી વાળી દિલ્હી સરકારના નેતાઓની અટકાયત કરવાનું એક રાજકીય કાવતરું છે.