આજથી મેન્સ જૂનિયર હૉકી વર્લ્ડકપનો પ્રારંભ
પહેલી મેચમાં ભારતની દક્ષિણ કોરિયા સામે રહેશે ટક્કર
કુઆલાલંપુર: બે વખતની ચેમ્પિયન ભારત મંગળવારથી અહીં શરૂ થઈ રહેલી એફઆઇએચ મેન્સ જૂનિયર વર્લ્ડ કપ હૉકી ટુર્નામેન્ટમાં ફરીથી ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે તેના એશિયન હરીફ દક્ષિણ કોરિયા સામે જીત સાથે શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
ભારત 2001માં હોબાર્ટ અને 2016માં લખનઉમાં ચેમ્પિયન બન્યું હતું. આ સિવાય તે 1997માં ઈંગ્લેન્ડના મિલ્ટન કીઝમાં રનર-અપ રહ્યું હતું. છેલ્લી વખત ભારતે બે વર્ષ પહેલા ભૂવનેશ્વરમાં ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારતનો સામનો કોરિયા, કેનેડા અને સ્પેન સામે થશે. કોરિયા બાદ ભારતીય ટીમ ગુરુવારે સ્પેન અને શનિવારે કેનેડા સામે ટકરાશે. પુલ-એમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ચિલી અને મલેશિયા છે જ્યારે પુલ-બીમાં ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની અને દક્ષિણ આફ્રિકા છે. બેલ્જિયમ, નેધરલેન્ડ, ન્યૂ ઝીલેન્ડ અને પાકિસ્તાનને પુલ- ડીમાં રાખવામાં આવ્યા છે.
દરેક પુલમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ અનુક્રમે 12, 14 અને 16 ડિસેમ્બરે રમાશે. ફોરવર્ડ પ્લેયર ઉત્તમ સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમનો કોરિયા સામે રેકોર્ડ સારો છે.
આ બંને ટીમો વચ્ચે રમાયેલી 6 મેચમાંથી ભારતે ત્રણમાં જીત મેળવી છે. કોરિયાએ બે મેચ જીતી છે જ્યારે એક મેચ ડ્રો રહી છે.