
મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. મળતી માહિતી અનુસાર અહીં, તેંગનોપલ જિલ્લામાં હિંસા દરમિયાન 13 લોકોના મોત થયા હોવાના ચિંતાજનક અહેવાલ મળ્યા છે. ઘટના સોમવાર બપોરની હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને તેંગનોપલ જિલ્લાના સૈબોલ નજીક લીથુ ગામમાં બે જૂથો વચ્ચે ગોળીબારની માહિતી મળી હતી. સુરક્ષા દળો લેથુ ગામ પહોંચ્યા ત્યારે તેમને સ્થળ પરથી 13 લોકોના મૃતદેહ મળ્યા. જોકે, મૃતદેહો પાસે કોઈ હથિયાર મળી આવ્યું ન હતું. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. સુરક્ષા દળોના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક લેથુ વિસ્તારના હોવાનું જણાતું નથી અને તે કોઈ અન્ય સ્થળેથી આવ્યા હોઈ શકે છે જેના પછી તેઓ એક અલગ જૂથ સાથે ગોળીબારમાં સામેલ થયા અને તેમના જીવ ગુમાવ્યા હોઈ શકે. જો કે પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે હાજર છે.
દેશનાં સુંદર રાજ્યમાં મણિપુરમાં થોડા મહિનાઓથી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય અથડામણને કારણે હિંસાના બનાવો બન્યા કરે છે. અહેવાલો અનુસાર આ અથડામણોમાં ઓછામાં ઓછા 182 લોકો માર્યા ગયા છે અને લગભગ 50,000 લોકો બેઘર થયા છે. રવિવારે જ સત્તાવાળાઓએ હિંસાગ્રસ્ત રાજ્યમાં કેટલાક જિલ્લાઓના સરહદી વિસ્તારોને બાદ કરતાં સાત મહિના પછી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. છેલ્લા સાત મહિનામાં મોટાભાગની હિંસા, ગોળીબાર, આગચંપી અને અપહરણની ઘટનાઓ બની છે. કેન્દ્ર અને મણિપુર સરકારે નવી દિલ્હીમાં રાજ્યના સૌથી જૂના આતંકવાદી સંગઠન યુનાઈટેડ નેશનલ લિબરેશન ફોર્સ (UNLF) સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યાના ચાર દિવસ પછી સસ્પેન્શન હટાવવામાં આવ્યું હતું.
ગયા મહિને, કાંગપોકપી જિલ્લાના હરોથેલ અને કોબશા ગામો વચ્ચે ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા. એ જ રીતે, સપ્ટેમ્બરમાં, રાજ્યની અસ્થિર બિષ્ણુપુર-ચુરાચંદપુર સરહદ પર લોકપ્રિય આદિવાસી ગીતકાર-સંગીતકાર સહિત છ લોકો માર્યા ગયા હતા જ્યારે 14 અન્ય ઘાયલ થયા હતા. જ્યાં ખીણ અને પહાડી જિલ્લાઓ વચ્ચેના ભાગલાને કારણે હિંસા વધી હોવાનું માનવામાં આવે છે.