ફેસબુક પર મિત્રતા પછી સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં યુવકની ધરપકડ
સગીરાએ સંપર્ક તોડી નાખતાં તેની અશ્ર્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરાઈ
મુંબઈ: સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ફેસબુક પર મિત્રતા કર્યા પછી સગીરા સાથે કથિત દુષ્કર્મના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી હતી. સગીરાએ સંપર્ક તોડી નાખતાં ગિન્નાયેલા આરોપીએ તેની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ આદિત્ય ભગત (22) તરીકે થઈ હતી. ભાયંદરમાં રહેતો આરોપી ઉત્તન પરિસરમાં હોવાની માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવી તેને તાબામાં લીધો હતો.
આરોપી ભગત અને સગીરાની ઓળખાણ જૂન, 2022માં ફેસબુક પર થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા થતાં મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. પોલીસ ફરિયાદ અનુસાર 2022થી બીજી નવેમ્બર, 2023 દરમિયાન ગુનો બન્યો હતો. આ પ્રકરણે ત્રીજી નવેમ્બરે આચોલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયો હોવાની જાણ થતાં આરોપી ફરાર થઈ ગયો હતો. તે વારંવાર તેનું રહેઠાણ બદલતો હતો. દરમિયાન આરોપી ઉત્તન પરિસરમાં હોવાની માહિતી પોલીસને મળતાં એક ચર્ચ નજીકથી તેને પકડી પાડવામાં આવ્યોહતો. ભગત ભાયંદરમાં રહેતો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે. આરોપી આવા પ્રકારના અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.