આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડ્રગમાફિયા લલિત પાટીલ કેસ: યેરવડા જેલના ચીફ મેડિકલ ઑફિસરની ધરપકડ

પુણે: પુણેની સસૂન હૉસ્પિટલમાંથી ડ્રગમાફિયા લલિત પાટીલ ફરાર થવાના કેસમાં પુણે પોલીસે યેરવડા જેલના ચીફ મેડિકલ ઑફિસર (સીએમઓ)ની સોમવારે ધરપકડ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યેરવડા જેલના સીએમઓ ડૉ. સંજય કાશીનાથ માર્સલેની ભારતીય દંડ સંહિતાની કલમ 223 અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગના કેસમાં સંડોવાયેલો પાટીલ બીજી ઑક્ટોબરે સસૂન હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. પાટીલને એક્સ-રે માટે લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હતો. જોકે બાદમાં 17 ઑક્ટોબરે બેંગલુરુથી તેને ફરી પકડી પાડવામાં આવ્યો હતો.

આ કેસમાં પકડાયેલા એક આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે પાટીલને સારવારને બહાને જેલમાંથી હૉસ્પિટલમાં શિફ્ટ કરાવવા માર્સલે ગયો હતો. ધરપકડ કરાયેલા માર્સલેની પૂછપરછમાં વધુ વિગતો સામે આવશે, એવું ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પુણે પોલીસે 30 સપ્ટેમ્બરે સસૂન હૉસ્પિટલ બહારથી બે કરોડ રૂપિયાના મેફેડ્રોન સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસ હૉસ્પિટલ કૅન્ટીનના સ્ટાફર સુધી પહોંચી હતી. તે સમયે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ લલિત પાટીલ દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હોવાનું કૅન્ટીનના સ્ટાફે પોલીસને કહ્યું હતું.
પાટીલ હૉસ્પિટલમાંથી ફરાર થયા બાદ પોલીસની ફરજમાં બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ આ મામલે નવ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર રેઇડ કરી પોલીસે એ કેસમાં અંદાજે 300 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ કેસમાં સંડોવણી સામે આવ્યા પછી પાટીલ હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button