તો હવે આ રાજ્યોમાં બદલાશે રાજ્યપાલની ભૂમિકા….
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર ઘણા રાજ્યોના રાજ્યપાલની ભૂમિકામાં બદલાવ લાવી શકે છે. મળતી માહિતી પ્રમાણે કેટલાક રાજ્યોના રાજ્યપાલને અન્ય રાજ્યનો ચાર્જ સંભાળવાની તક મળી શકે છે. આગામી થોડા દિવસોમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યોમાં વર્તમાન રાજ્યપાલોને બદલવામાં આવી શકે છે કે પછી તેમના સ્થાને અન્ય રાજ્યપાલની નિમણૂક કરવામાં પણ આવી શકે છે.
આપને જણાવી દઈએ કે વર્ષ 2014 પછી મોદી સરકારમાં આનંદી બેન પટેલ એકમાત્ર રાજ્યપાલ છે, જેઓ અત્યાર સુધીમાં ત્રણ રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા છે. આનંદી બેન પટેલ ગયા મહિને જ 82 વર્ષના થયા. આનંદી બેન પટેલને વર્ષ 2018માં મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમને 5 ઓગસ્ટ 2018 થી 28 જુલાઈ 2019 સુધી છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. તેમજ આનંદી બેન પટેલ 9 જુલાઈ 2019 થી અત્યાર સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે.
વર્ષ 2023ની શરૂઆતમાં મોદી સરકારે દેશના ઘણા રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકામાં ફેરફારો અને ફેરબદલ કર્યા હતા. હવે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપની જંગી જીત બાદ ફરી એકવાર કેટલાક રાજ્યપાલોની ફેરબદલ વિશે ચર્ચા થઇ રહી છે.
થોડા સમય અગાઉ જ મણિપુર હિંસા અંગે ઘણો હોબાળો થયો હતો. તે સમયે વિપક્ષી દળોએ મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેની ભૂમિકાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તે જ રીતે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના કેટલાક નિર્ણયોને લઈને ઘણી ટીકા થઈ હતી. રાજ્યપાલે તમિલનાડુ સરકારના પ્રધાન વી સેંથિલ બાલાજીને બરતરફ કરી દીધા હતા, પરંતુ પાંચ કલાક પછી તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. આ સમગ્ર મામલે અનેક પક્ષોએ રાજ્યપાલ તેમજ ભાજપની કેન્દ્ર સરકારને ઘેરી હતી.
આવી જ એક ઘટનામાં સુપ્રીમ કોર્ટે પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતને 19 અને 20 જૂનના રોજ યોજાયેલા ‘બંધારણીય રીતે માન્ય’ સત્ર દરમિયાન વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલો પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. AAP દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ચાર બિલને પોતાની સંમતિ આપી રહી નથી.
ત્યારે આ તમામ બાબતોને જોતાં આગામી દિવસોમાં કેટલાક રાજ્યોના રાજ્યપાલની ભૂમિકા બદલાઈ શકે તેમાં નવાઇ નહિ.