ઈન્ડિયા ગઠબંધનમાં ગાંઠાંઃ કેસી ત્યાગી ને પિનરાઈ વનરાજ બાદ હવે મમતા પણ બોલ્યા કે…
સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ…આ વાત સામાન્ય માણસને નહીં રાજકારણીઓને પણ લાગુ પડે છે અને રાજકીય પક્ષોને પણ. દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસ એક દાયકાથી અસ્તિત્વનો સંઘર્ષ કરી રહી છે. કેન્દ્રમાં અને તે બાદ રાજ્યોમાં પણ સત્તા ગુમાવી રહી છે ત્યારે તાજા આવેલા પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ કૉંગ્રેસ વધારે ભીંસમા આવી ગઈ છે. કૉંગ્રસને માત્ર તેલંગણામાં જીત મળી છે તેની સામે તેણે રાજસ્થાન અને છત્તીસગઢ એમ બે રાજ્ય ખોયા છે. આ સમયે લોકસભાની ચૂંટણી માટે કરવામાં આવેલા ઈન્ડિયા ગઠબંધનમાં પણ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલવાના પેતરાં ચાલી રહ્યા હોય તેમ લાગે છે.
તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પરિણામોને ઉદ્ધેશીને કહ્યું કે આ જનતાની હાર નથી, પરંતુ કોંગ્રેસની હાર છે. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના પક્ષો સાથે આ પાંચ રાજ્યોમાં બેઠકોની વહેંચણીની વ્યવસ્થાના અભાવે કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી હારી છે.
મમતા બેનર્જીએ કહ્યું કે કોંગ્રેસ તેલંગાણા જીતી છે, પરંતુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન હારી ગઈ છે. તેનું મુખ્ય કારણ એ હતું કે ગઠબંધનના પક્ષોએ વોટ કાપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે અમે બેઠકોની વહેંચણી માટે સિસ્ટમ પણ સૂચવી હતી, પરંતુ તેનો અમલ થયો નહીં.
તમણે એમ પણ કહ્યું કે વિચારધારાની સાથે રણનીતિની પણ જરૂર છે. જો સીટ વહેંચણી યોગ્ય રીતે થશે તો 2024માં ભાજપ સત્તામાં નહીં આવે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન આવતા વર્ષે સામાન્ય ચૂંટણી પહેલા સાથે મળીને કામ કરશે અને ભૂલોને સુધારશે, અમે ભૂલોમાંથી શીખીશું.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન – ત્રણ મુખ્ય રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ બેનર્જીની ટિપ્પણીઓ મહત્વની છે. તમામ 40 બેઠકો પર ચૂંટણી લડ્યા બાદ કૉગ્રેસ મિઝોરમમાં માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસ માટે એકમાત્ર આશ્વાસન તેલંગાણાની જીત છે.
રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ઘણી બેઠકો પર અલગથી ચૂંટણી લડી હતી. ઘણા લોકોએ કહ્યું છે કે તેના કારણે મતોનું વિભાજન થયું અને ભાજપને ફાયદો થયો.
માત્ર મમતા જ નહીં, અન્ય સાથીપક્ષોએ પણ કૉંગ્રેસની ટીકા કરી છે. જનતા દળ યુનાઈટેડના કેસી ત્યાગીએ કહ્યું કે કોંગ્રેસએ અન્ય પક્ષોની અવગણના કરી, પરંતુ તે પોતાના દમ પર જીતવામાં અસમર્થ રહી. કેરળના મુખ્ય પ્રધાન અને સીપીએમ નેતા પિનરાઈ વિજયને કહ્યું કે હિન્દી બેલ્ટમાં ભાજપનો સામનો કરતી વખતે સાથે મળીને લડવું જરૂરી છે.
મુંબઈ સમાચારે અગાઉ જ જણાવ્યું હતું કે આ પાંચેય રાજ્યોના નિરાશાજનક પરિણામો બાદ કૉંગ્રેસ માટે ઈન્ડિયા ગઠબંધનમાં વર્ચસ્વ ટકાવી રાખવું અઘરું બનશે. આ સાથે વડા પ્રધાનપદના ચહેરા માટે પણ હવે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નામ પર મહોર લાગવાનું લગભગ અશક્ય છે, આથી મમતાથી માંડી નીતિશ, અરવિંદ કેજરીવાલ વગેરેની મહત્વાકાંક્ષાઓ ઔર ઊંચી જશે. બુધવારે ગઠબંધનની બેઠક છે જે મહત્વની બની રહેશે.