મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોણ છે સીએમ પદના દાવેદાર…

નવી દિલ્હી: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે જોરદાર જીત મેળવી છે. જ્યારે આ ત્રણેય રાજ્યમાં ભાજપે કોઈપણ સીએમની જાહેરાત કર્યા ફક્ત મોદીના નામ હેઠળ જ ચૂંટણી લડી હતી. હવે આ ત્રણ રાજ્યોમાં જીત્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે સીએમ કોણ બનશે?
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય સિવાય જ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ સીએમની રેસમાં છે. તો રાજસ્થાનમાં સિંધિયાના કાકી અને બે વખતના સીએમ વસુંધરા રાજે પણ સીએમની રેસમાં છે.
મધ્ય પ્રદેશમાં સત્તાની લગામ ચાર વખતના સીએમ શિવરાજ પાસે હતી. જો કે ભાજપે સીએમની કોઇ જાહેરાત કરી નહોતી. ત્યારે મધ્ય પ્રદેશમાં શિવરાજ સિવાય ભાજપ પાસે કોઈ એવો નેતા નથી જેને સીએમ બનાવી શકે. જો કે એમપીમાં ભાજપની જીત જોતા જોતા શિવરાજ સિંહ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે.
ભાજપે આ ચૂંટણીમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. તેમજ કૈલાશ વિજયવર્ગીય અને પાંચ સાંસદો પણ ચૂંટણી જીત્યા હતા. ત્યારે સીએમ પદ માટે શિવરાજ ઉપરાંત નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નામોની ચર્ચા થઈ રહી છે.
2018માં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી અને દોઢ વર્ષ બાદ જ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સામે બળવો કર્યો અને ભાજપમાં જોડાયા. સિંધિયાની સાથે કોંગ્રેસના 20થી વધુ વિધાનસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. આ પછી કમલનાથે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે સિંધિયાને કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે એ પણ આ વખતે સીએમની રેસમાં છે.
રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. તેમ છતાં રાજસ્થાનમાં પણ સીએમ વિશે અટકળો જ ચાલી રહી છે. ત્યારે વસુંધરા રાજે કે જેઓ રાજસ્થાનમાં બે વાર સીએમ રહી ચૂકયા છે તેમ જ સાંસદ દિયા કુમારી, ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, બાબા બાલક નાથના નામ પણ સીએમની રેસમાં છે.