નેશનલ

આ પક્ષને નૉટા કરતા પણ ઓછા વૉટ મળ્યા, 50 સીટો પર ડિપોઝીટ જપ્ત

તમે જે ગઢના રાજા હો ત્યાં પણ યુદ્ધ જીતી શકતા ન હોવ ત્યારે બીજા ગઢને સર કરવાની ભૂલ ન કરાય અને કરીએ તો સમાજવાદી પક્ષ જેવી હાલત થાય. ઉત્તર પ્રદેશમાં લાંબુ શાસન ચલાવ્યા બાદ પણ છેલ્લી બે ટર્મથી સપા પોતાના રાજ્યમાં સત્તા મેળવી શકી નથી ત્યારે તેણે મધ્ય પ્રદેશમાં જઈ ચૂંટણી લડી. એટલું જ નહીં પરંતુ અહીં ઘણીવાર સત્તા પર આવી ચૂકેલા પક્ષ કૉંગ્રેસ સાથે બાથ ભીડી, રેલીઓ યોજી, પણ હાથમાં કઈ આવ્યું નથી. સપાએ એમપીમાં 69 સીટો પર ચૂંટણી લડી હતી પણ પક્ષના ખાતામાં એક પણ સીટ આવી નથી. સપા માટે આ એક મોટો ફટકો છે કારણ કે અખિલેશ યાદવના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીનું પ્રદર્શન એકદમ નિરાશાજનક રહ્યું છે. તેમને ઘણી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. સપાને મળેલા મતની ટકાવારીની વાત કરીએ તો તેને NOTA કરતા ઓછા મત મળ્યા છે. આ વખતે તેમને માત્ર 0.46 ટકા વોટ મળ્યા છે. જ્યારે NOTAને SPના બમણા મત એટલે કે 0.98 ટકા મત મળ્યા છે.

સપાએ મધ્યપ્રદેશમાં કુલ 69 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી 43 બેઠકો એવી છે કે જેના પર સપાને એક હજારથી ઓછા વોટ મળ્યા છે. આમાંથી એક પણ સીટ પર સપાના ઉમેદવાર બીજા નંબરે પણ નથી આવ્યા. અગાઉ 1998માં સપાએ એમપીમાં ચાર બેઠકો જીતી હતી. તેની વોટ ટકાવારી પણ 1.58 ટકા હતી. જ્યારે 2007માં સપાને કુલ 3.7 ટકા વોટ મળ્યા હતા. 2013ની વિધાનસભા ચૂંટણીમાં સપાને કંઈ મળ્યું ન હતું પરંતુ તેનો વોટ શેર 1.2 ટકા હતો. લગભગ 50 સીટ પર તો જમાનત જપ્ત થઈ છે. અખિલેશ યાદવે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. અખિલેશ યાદવે 6 દિવસ સુધી જોરશોરથી પ્રચાર કર્યો. આ સમયગાળા દરમિયાન તેમણે કુલ 24 રેલીઓ યોજી હતી. આ ઉપરાંત માર્ગ અને રથયાત્રા પણ નીકળી હતી. જોકે, ચૂંટણીના પરિણામોમાં તેની અસર જોવા મળી નથી.

અખિલેશ યાદવ ઉપરાંત તેમની પત્ની અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે પણ અનેક વિધાનસભા મતવિસ્તારોમાં રેલીઓ યોજી હતી. જોકે સપાએ ચાર સીટો પર કોંગ્રેસનીને થોડું ઘણું નુકસાન કર્યું હોવાનું અહેવાલો જણાવે છે. ચાંદલા, જટારા, બહોરીબંદ અને નિવારી સીટો પર સપાએ કોંગ્રેસના વોટ ઘટાડ્યા. આ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. આ બેઠકો પર જીત અને હારનું માર્જીન ઘણું ઓછું રહ્યું છે. જો આ બેઠકો પર સપાના ઉમેદવારો ઊભા ન થયા હોત તો કૉંગ્રેસના ખાતામાં એકાદ બે બેઠક વધારે આવી હોત, તેનાથી પરિણામોમાં કોઈ ફેર પડેત નહી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button