
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાનું એક પ્રશિક્ષણ વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાયલટના મોત થયા હતા. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું. તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં તાલીમ દરમિયાન 8:55 કલાકે તેમના પીલાટસ તાલીમ વિમાન ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલટ માર્યા ગયા હતા. પાઇલટ્સમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ આ માહિતી આપી છે.
IAFએ આપેલી માહિતી અનુસાર પ્લેનમાં બે પાયલટ હાજર હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડાવવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું. છેલ્લા 8 મહિનામાં એરફોર્સનો આ ત્રીજો વિમાન અકસ્માત છે. આ પહેલા જૂનમાં ટ્રેઇની એરક્રાફ્ટ કિરણ ક્રેશ થયું હતું. મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલટના મોત થયા હતા.
અગાઉ જૂનમાં ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલટ્સે પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક ઉતરાણ કરી પોતાની જાન બચાવી હતી.