તો શું કોંગ્રેસના ધારાસભ્યોનું મોટું જૂથ ભાજપમાં જોડાશે?
ત્રણ રાજ્યમાં ભાજપની જીત સાથે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવવાની આશંકામુંબઈ: ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની શાનદાર જીતની મહારાષ્ટ્રના રાજકારણ પર દૂરગામી અસર પડશે અને આ જ કારણે મહાવિકાસ અઘાડીમાં ત્રણેય પક્ષોમાં અસ્વસ્થતા વધી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં શિવસેના-એનસીપી અને કૉંગ્રેસની ગઠબંધન સરકાર તૂટી ગઇ હતી. શિવસેનાનું પણ વિભાજન થયું હતું અને મુખ્ય પ્રધાન શિંદે સહિત પક્ષના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
એવી જ રીતે ગઠબંધન સરકારનો હિસ્સો રહેલા એ્નસીપીનું પણ વિભાજન થયું હતું અને પક્ષના કેટલાક નેતાઓએ ભાજપનું તરણું પકડી લીધું હતું. શિરપાવ તરીકે અજીતદાદા પવારને નાયબ મુખ્ય પ્રધાનપદ પણ આપવામાં આવ્યું,પરંતુ કોંગ્રેસ પક્ષમાં કોઈ વિભાજન થયું ન હતું. પણ હવે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસમાંથી વિધાન સભ્યોનું મોટું જૂથ ભાજપમાં જાય તો નવાઈ નહીં.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જીતશે અને રાજસ્થાનમાં સખત સંઘર્ષ કરી સરકાર બનાવીશું જ. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ, કાર્યકર્તાઓ અને તેમના સહાનુભૂતિ ધરાવતા લોકો રાહુલબાબાની વાત માનતા હતા.
ભારત જોડો યાત્રા પછી કોંગ્રેસના નેતાઓને લાગ્યું હતું કે રાહુલ ગાંધી જમીની વાસ્તવિકતાને સારી રીતે સમજવા લાગ્યા છે, પણ હાલના ત્રણ રાજ્યના ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું છે કે વાસ્તવમાં પરિસ્થિતિ તેનાથી વિપરીત છે. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના ધબડકાને જોઇને દરેકના મનમાં એ સવાલ છે કે કોંગ્રેસીઓના આ વધુ પડતા આત્મવિશ્વાસનું સાચું કારણ શું હતું.
ત્રણ રાજ્યના પરિણામોએ એ પણ સાબિત કરી દીધું છે કે એનસીપીના અજીત પવાર અને શિવસેનાના એકનાથ શિંદેનો ભાજપને સાથ આપવાનો નિર્ણય કેટલો સાચો હતો. આ પરિણામોને કારણે રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન અને મહા વિકાસ આઘાડી બંનેમાં કોંગ્રેસની સોદાબાજી કરવાની શક્તિ ઘણી હદે ઘટી ગઈ છે.
છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને લોકસભામાં માત્ર એક જ બેઠક મળી હોવા છતાં શિવસેનામાં ભાગલા પડ્યા બાદ કોંગ્રેસ નેતૃત્વ વિદર્ભ અને મરાઠવાડામાં લોકસભાની મહત્તમ બેઠકોની માગી રહ્યું હતું, પરંતુ મહાવિકાસ આઘાડીમાં હવે તેમની ઉડાઉ માંગણીઓ સ્વીકારાશે કે કેમ એની શંકા છે. એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને ભાગે પણ લોકસભાની કેટલી બેઠકો આવશે તે અંગે હવે નવા સમીકરણો સામે આવશે. આ પરિણામે રાજ્યમાં ભાજપના સહયોગી પક્ષોને એવો સંકેત પણ આપી દીધો છે કે ભાજપ જે આપશે તેને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.