છત્તીસગઢ-એમપી અને રાજસ્થાનમાં જોરદાર જીત બાદ ભાજપે 12 રાજ્યોમાં લહેરાવ્યો ભગવો
કોંગ્રેસ 3 રાજ્યોમાં સીમિત થઇને રહી ગઇૉ
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી ત્રણમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનાવ્યા બાદ ભાજપે 12 રાજ્યોમાં પોતાના દમ પર સત્તા મેળવી છે, જ્યારે બીજી સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢમાં હાર્યા બાદ ત્રણ રાજ્યોમાં સીમિત થઇને રહી ગઇ છે.
દિલ્હી અને પંજાબમાં તેની સરકાર સાથે આમ આદમી પાર્ટી (AAP) રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસ પછી ત્રીજા ક્રમે છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં સત્તામાં છે. આજના (3 ડિસેમ્બર) પરિણામો પછી, ભાજપે મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી અને રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસ પાસેથી છીનવી લીધું. આ સિવાય ભાજપ ચાર રાજ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કીમમાં ગઠબંધન સરકાર ચલાવી રહી છે.
કોંગ્રેસ હવે ત્રણ રાજ્યો કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં પોતાના દમ પર સત્તામાં રહી ગઈ છે. કોંગ્રેસ તેલંગાણામાં તેના નજીકના હરીફ શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ને હરાવીને સત્તા પર આવી છે. કોંગ્રેસ બિહાર અને ઝારખંડમાં શાસક ગઠબંધનનો પણ ભાગ છે અને તમિલનાડુ પર શાસન કરતા દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ની સાથી છે. જો કે, તેઓ રાજ્ય સરકારનો હિસ્સો નથી.
પરિણામોએ મુખ્ય વિરોધ પક્ષ તરીકે આપની સ્થિતિ મજબૂત કરી દીધી છે. કોંગ્રેસનો હિસ્સો ઘટવાથી આપ બે રાજ્યોમાં સરકારો સાથે બીજી સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની ગઈ છે. “આજના પરિણામો પછી, આમ આદમી પાર્ટી ઉત્તર ભારતમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી છે જેમાં બે રાજ્ય સરકારો છે – પંજાબ અને દિલ્હી,” એમ આપના નેતા જસ્મીન શાહે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
ભારતમાં છ રાષ્ટ્રીય પક્ષો છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (બીએસપી), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ-એમ), નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને આપ સામેલ છે. વિધાનસભા ચૂંટણીનો આગામી રાઉન્ડ 2024માં યોજાશે જ્યારે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી બાકી છે.
5 રાજ્યોમાં યોજાયેલી આ વિધાનસભા ચૂંટણીઓમાં, ઘણા વર્તમાન સાંસદોએ વિધાનસભા ચૂંટણી લડી છે, તેથી તે લોકસભા બેઠકો ખાલી રહેવાની અપેક્ષા છે. જો કે, આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, તેથી જો સાંસદો વિધાન સભ્ય તરીકે ચૂંટાયા પછી તેમની બેઠકો ખાલી કરે તો પણ પેટાચૂંટણી થશે નહીં.