નેશનલ

સત્તાની સેમિફાઈનલમાં મોદી મેજિક બરકરાર

ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ સરકાર

મધ્ય પ્રદેશ
કુલ બેઠક: ૨૩૦
બહુમતી ૧૧૬
ભાજપ ૧૬૪
કૉંગ્રેસ ૬૫
અન્ય ૧

રાજસ્થાન
કુલ બેઠક: ૧૯૯
બહુમતી ૧૦૦
ભાજપ ૧૧૫
કૉંગ્રેસ ૬૯
અન્ય ૧૫

છત્તીસગઢ
બહુમતી ૪૬
ભાજપ ૫૪
કૉંગ્રેસ ૩૫
અન્ય ૧

તેલંગણા
કુલ બેઠક: ૧૧૯
બહુમતી ૬૦
ભાજપ ૮
કૉંગ્રેસ ૬૪
અન્ય ૮
બીઆરએસ ૩૯

નવી દિલ્હી: ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળતા આ ત્રણ રાજ્યમાં તેની સરકાર રચાશે, જ્યારે કૉંગ્રેસે તેલંગણામાં બીઆરએસ પાસેથી સત્તા આંચકી લીધી છે. દેશમાં ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભે પાંચ રાજ્ય વિધાનસભાની ચૂંટણી ‘સૅમિફાઇનલ’ સમાન ગણાય છે. ભાજપ અને તેના નેતૃત્વ હેઠળની યુતિનું હવે દેશના ૧૬ રાજ્યમાં શાસન થઇ ગયું છે, જ્યારે કૉંગ્રેસની સરકાર માત્ર ત્રણ રાજ્યમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘જાદુ’ હજી જનતાના દિલ-દિમાગ પર છવાયેલો રહ્યો હોવાનું સાબિત થયું છે.

દેશના ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા વિધાનસભાની ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા હતા અને તેમાં મધ્ય પ્રદેશના મતદારો ‘મામા’ના હુલામણા નામથી જાણીતા રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પર વિશેષ મહેરબાન જણાયા હતા અને તેમના નેતૃત્વ હેઠળના રાજ્યમાં ભાજપને ભવ્ય વિજય અપાવ્યો હતો.

રાજસ્થાનમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની બળાબળની સ્પર્ધામાં ભાજપનો વિજયરથ આગળ નીકળી ગયોે હતો અને રાજ્યમાં ફરી સત્તા કબજે કરી હતી.

મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠક છે અને બહુમતી માટે ૧૧૬ બેઠક જરૂરી હતી. ભાજપને ૧૬૪ બેઠક, કૉંગ્રેસને ૬૫ અને અન્યને એક બેઠક મળી છે.

રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકમાંથી ૧૯૯ બેઠક પર મતદાન યોજાયું હતું અને તેમાં ભાજપને ૧૧૫, કૉંગ્રેસને ૬૯ અને અન્યને ૧૬ બેઠક મળતા કૉંગ્રેસના હાથમાંથી રાજ્યની સત્તા છીનવાઇ ગઇ છે. રાજસ્થાનમાં એક બેઠક પરના ઉમેદવારનું મૃત્યુ થતાં ત્યાં મતદાન મુલતવી રખાયું હતું.

છત્તીસગઢ વિધાનસભાની ૯૦ બેઠક છે અને તેમાં બહુમતી માટે ૪૬ બેઠક જીતવી જરૂરી હતી. ભાજપનો ૫૪, કૉંગ્રેસનો ૩૫ અને અન્યનો એક બેઠક પર વિજય થયો હતો.

તેલંગણા વિધાનસભાની ૧૧૯ બેઠકમાંથી બહુમતી માટે ૬૦ બેઠક જીતવી જરૂરી હતી. કૉંગ્રેસને ૬૪, બીઆરએસને ૩૯, ભાજપને આઠ અને અન્યને આઠ બેઠક મળી છે.

મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ બુદની બેઠક પરથી અને ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીય ઇન્દોર-વનની બેઠક પરથી સરળતાથી જીતી ગયા હતા.

ભાજપના નરેન્દ્રસિંહ તોમરનો દિમાની બેઠક પરથી વિજય થયો હતો, ભાજપના પ્રહ્લાદસિંહ પટેલે નરસિંહપુરની બેઠક પરથી પોતાના નજીકના હરીફને મતના મોટા તફાવતથી હરાવ્યો હતો.

છીંદવાડાની બેઠક પર કમલનાથનો વિજય થયો હતો. રાજસ્થાનમાં ભાજપનાં ઝાલરાપાટણ બેઠક પરથી વસુંધરા રાજેનો અને કૉંગ્રેસના અશોક ગહલોતનો સરદારપુરા બેઠક પરથી વિજય થયો હતો.
વિદ્યાધરનગરની બેઠક પરથી ભાજપના દિયાકુમારી વિજયી થઇ
હતી, જ્યારે ભાજપના રાજેન્દ્ર રાઠોડનો તારાનગરમાંથી પરાજય થયો હતો. કૉંગ્રેસના સચિન પાઇલટ ટંકની બેઠક પરથી જીતી ગયા હતા.

તેલંગણામાં કૉંગ્રેસના અનુમુલા સેવંત રેડ્ડી એક બેઠક પરથી હારી ગયા હતા અને બીજી બેઠક પરથી જીત્યા હતા. બીઆરએસના કે. ચંદ્રશેખર રાવ એક બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, જ્યારે બીજી પરથી જીત્યા હતા.

પાંચે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનોએ સક્રિય ભાગ ભજવ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસ માટે આ પાંચ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગઇ હતી.

ચૂંટણીના પ્રચાર વખતે મોટી સંખ્યામાં કાળું નાણું અને દારૂ પકડાયો હતો. શાસક પક્ષ અને વિરોધ પક્ષે એકબીજા પર આક્ષેપ કરવા ઉપરાંત મતદારોના લાભાર્થે અનેક વચનની લહાણી કરી હતી.
મિઝોરમ વિધાનસભાની ૪૦ બેઠકમાંથી બહુમતી માટે ૨૧ બેઠક જરૂરી છે. ઍક્ઝિટ પૉલમાં ઝેડપીએમને ૧૮, એમએનએફને ૧૩, કૉંગ્રેસને સાત અને ભાજપને બે બેઠક મળવાની આગાહી કરાઇ છે. મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના પરિણામ સોમવારે જાહેર થશે.
(એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…