loksabha સંગ્રામ 2024નેશનલ

તેલંગાણામાં પહેલીવાર કોંગ્રેસને જીતનો સ્વાદ ચખાડનાર રેવંત રેડ્ડી કોણ છે?

અંગ્રેજીમાં એક શબ્દ છે. બિટરસ્વીટ. મતલબ આનંદ અને દુ:ખ બંને વિરોધાભાસી લાગણીઓનો એકસાથે જ અનુભવ થવો તે. કોંગ્રેસ છાવણી સાથે સંકળાયેલા તમામ લોકો અત્યારે આ અનુભવમાંથી પસાર થઇ રહ્યા છે. એક તરફ હિન્દી હાર્ટલેન્ડમાંથી કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણમાં કર્ણાટક બાદ તેલંગાણા જીતીને વધુ એક સફળતાનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે.

તેલંગાણામાં જે પ્રકારે કોંગ્રેસે જીત મેળવી છે તે બિલકુલ અનપેક્ષિત હતું. કેમકે સતત બે ટર્મથી મુખ્યપ્રધાન રહી ચુકેલા કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસ આ વખતે પણ સત્તાસ્થાને ટકી રહેશે તેવો મુખ્યપ્રધાન સહિત તમામને વિશ્વાસ હતો. પરંતુ એ વિશ્વાસ પર આકરો પ્રહાર થયો છે અને પહેલીવાર તેલંગાણાની પ્રજાએ કોંગ્રેસને તક આપી છે. ત્યારે આખરે આ કેવીરીતે શક્ય બન્યું અને કોંગ્રેસ માટે તેલંગાણામાં કોણે ચાણક્યની ભૂમિકા ભજવી? આવો જાણીએ.

રેવંત રેડ્ડીનું આખું નામ અનુમુલા રેવંત રેડ્ડી છે અને તેઓ વર્ષ 1969માં આંધ્ર પ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં જન્મ્યા. તેમણે વિદ્યાર્થીજીવનથી જ રાજકારણમાં ઝંપલાવી દીધું હતું. તમને જાણીને નવાઇ લાગશે કે રેડ્ડી તેમના વિદ્યાર્થીકાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. જો કે પછી વર્ષ 2004માં તેઓ તેલુગુ દેશમ્ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ ટીડીપીમાં પણ તેમની મહત્વાકાંક્ષાને મેદાન મળ્યું નહિ. વર્ષ 2006માં પાર્ટીએ ટિકિટ ન આપતા રેવંતએ અપક્ષ જ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને સનસનાટી મચાવી દીધી. તેમણે એકલે હાથે આંધ્રપ્રદેશની વિધાનપરિષદ માટે ચૂંટણી લડી અને જીતી પણ ગયા. એ પછી ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ તેમને વાજતેગાજતે ટીડીપીમાં પાછા લઇ આવ્યા.

રેવંત રેડ્ડી અનેકવાર ભ્રષ્ટાચારના મુદ્દે વિવાદોમાં પણ આવ્યા છે. વર્ષ 2015માં તેમના ઉપર ધારાસભ્યનું હૉર્સ ટ્રૅડિંગ કરવાના આરોપ લાગ્યા હતા અને તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેમની વિરૂદ્ધ ઍન્ટી-કરપ્શન બ્યૂરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમને શરતી જામીન ઉપર છોડ્યા હતા. તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે એવી અફવા ઉડતા તેમની ટીડીપીમાંથી હકાલપટ્ટી થઇ હતી. આખરે તેઓ 2017માં કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા હતા.

રેવંત રેડ્ડીની પહેલેથી જ ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છાપ છે. તેઓ કોંગ્રેસમાં આવી તો ગયા હતા પરંતુ તેમના આવવાને પગલે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં કચવાટ ફેલાયો હતો.

2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. તેમ છતાં તેમને કોંગ્રેસે ફરીવાર 2019ની લોકસભા ચૂંટણીમાં મલ્કાજગીરી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તે વખતે રેવંત રેડ્ડીએ જોરદાર વાપસી કરીને આ બેઠક જીતી લીધી હતી અને એ રીતે તેઓ લોકસભામાં પહોંચ્યા હતા. તેમણે TRS ઉમેદવારને 10 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા અને 2018ની ચૂંટણીમાં મળેલી હારનો બદલો લીધો.

માર્ચ-2020માં તેલંગણાના મુખ્યપ્રધાન કેસીઆરના ફાર્મહાઉસનું ડ્રોન મારફત ગેરકાયદેસર શૂટિંગ કરવાના આરોપસર રેવંતની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. રેવંતે 10 કરતાં વધુ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. રેવંતએ આક્ષેપ કર્યો હતો કે પર્યાવરણના નિયમોનો ભંગ કરીને કેસીઆરના ફાર્મ-હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના આધારે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે કેસીઆરને નોટિસ પણ ફટકારી હતી.

વર્ષ 2021માં તેમને તેલંગણા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધી જ્યારે તેલંગાણાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ રાહુલ ગાંધી રેવંત રેડ્ડીના કામોથી ઘણા પ્રભાવિત થયા હતા. ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા જ્યાં જ્યાં જતાં, ત્યાં ત્યાં રેવંત રેડ્ડી તેમની સાથે જોવા મળતા. આમ સતત કોંગ્રેસની ગુડબુકમાં તેઓ રહ્યા.

આ વખતની ચૂંટણીમાં રેવંત રેડ્ડી તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવની સામે ગજવેલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, જો કે આ બેઠક પર તો તેઓ હારી ગયા છે પરંતુ તેલંગાણા કોંગ્રેસ માટે તેમણે કરેલા કામને લીધે તેમને મુખ્યપ્રધાન પદ માટે પ્રબળ દાવેદાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button