બહુ વિધિ સબ સંતા
મનન-ચિંતન -હેમંત વાળા
સનાતન સંસ્કૃતિની મજા જ એ છે કે કોઈ પણ રસ્તો પસંદ કરી તમે પરમને પામી શકો છો. પ્રભુને ખુશ કરવાના અનેક માર્ગો છે. આ બધા જ માર્ગો સંતો દ્વારા અપનાવેલા અને નીવડેલા છે. આ કંઈ એક અકસ્માત નથી પણ આપણા દાર્શનિકોએ માનવ જાત ઉપર કરેલો મોટો ઉપકાર છે. તેમને ખબર હતી કે આ સંસારમાં કેવા કેવા માનવી જન્મ લેશે, તેમની કેવી કેવી રુચી હશે અને આ રુચિ અનુસાર પરમને પામવા માટેનો કેવો માર્ગ તેમને અનુકૂળ રહેશે. આવી રીતે ભિન્ન ભિન્ન પ્રકારના માર્ગોને પ્રશસ્ત કરીને વિગતે તેનું નિર્ધારણ સનાતન સંસ્કૃતિમાં કરાયું છે. જ્યાં સુધી પરમને પામવાની સંભાવના હોય ત્યાં સુધી અહીં કોઈપણ માર્ગ માન્ય છે.
ભક્તિ આમ જ કરવી જોઈએ એવી કોઈ ધારણા સનાતન સંસ્કૃતિમાં નથી. અમુક સ્વરૂપની જ ભક્તિ કરવી જોઈએ તેમ પણ નથી કહેવાતું. આગળ વધવાનો આ એક જ માર્ગ છે એવો દાવો અહીં કોઈ નથી કરતું. હા, એક વાર માર્ગ નક્કી થયા પછી તેના પર કઈ રીતે આગળ વધાય – કઈ કઈ અડચણો આવી શકે અને તેનું નિરાકરણ કઈ રીતે કરી શકાય – અને જે તે માર્ગ માટેના યમ-નિયમ કયા છે તે બાબતો સ્પષ્ટપણે કહેવાઇ છે.
પ્રભુને રિઝવવા ભજન કીર્તન થઈ શકે. તેમને દેહધારી માની તે રીતે રોજિંદા જીવનમાં તેમની સાથે વર્તાવ થઈ શકે. તેમને પરમ તત્વ માની તે પ્રકારના આદરભાવ સાથે વ્યક્તિ પૂજાવિધિમાં જોડાઈ શકે. પ્રભુ સાથે દાસ્ય ભાવે કે મિત્ર ભાવે કે અન્ય કોઈ પણ ભાવે સમીકરણ બાંધી શકાય. પ્રભુ પ્રત્યેના સમર્પણ માટે પણ વિવિધ સંભાવનાઓ અહીં સ્વીકારાઇ છે.
અહીં સત્સંગ પણ માન્ય છે અને એકાંતની આરાધના પણ. અહીં તીર્થાટનને પણ મહત્ત્વ અપાયું છે અને એક જ સ્થાને રહી એકાગ્રતાથી કરાતા તપને પણ માન્ય રખાયું છે. શબ્દો દ્વારા, સંગીત દ્વારા, નૃત્ય દ્વારા, ચિત્ર દ્વારા કે શિલ્પ દ્વારા – કળાના પ્રત્યેક માધ્યમ દ્વારા અહીં ઈશ્ર્વરની આરાધના સ્વીકૃત છે.
પ્રભુના નામનું મોટેથી રટણ કરી જે પરિણામ મળી શકે તે જ પરિણામ મૌન ધારણ કરી માનસિક જાપ જપવાથી પણ મળી શકે. ચોક્કસ પ્રકારના સમર્પણના ભાવ સાથે પ્રભુને જાતજાતની ચીજ વસ્તુઓ ધરાવીને પણ તેને ખુશ કરી શકાય અને માત્ર ભાવાત્મક સમર્પણથી પણ પ્રભુ સાથે તે જ પ્રકારનો સંબંધ સ્થાપી શકાય. આંખ બંધ કરીને પણ પ્રભુના સ્વરૂપનું ચિંતન કરી શકાય અને ખુલ્લી આંખે પણ સામે રહેલા મૂર્તિમય સ્વરૂપમાં પણ પરોવાઈ શકાય. પ્રભુને બધાની અંદર વસેલા છે તે પ્રકારના ભાવ સાથે તેમનું સ્મરણ થઈ શકે અને સાથે સાથે બધું પ્રભુમાં સમાયેલું છે તેવા ભાવ સાથે પણ પરમ તત્ત્વ સાથે જોડાણ સંભવી શકે.
પ્રભુને રિઝવવા સત્ય અને અહિંસાનો આશરો લઈ શકાય. દરેક પ્રકારના કુકર્મોથી દૂર રહીને પ્રભુની સન્મુખ જઈ શકાય. કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કરાતા દાનધર્મનો આશ્રય લઈ શકાય. જે પક્ષે ધર્મ હોય તે પક્ષે પોતાનું નૈતિક કર્મ સિદ્ધ કરીને પણ પ્રભુને ખુશ કરવાનો પ્રયત્ન કરી શકાય. ષટરીપુથી જાતને અલગ રાખી સાત્વિકતા ધારણ કરી પ્રભુમય માર્ગે જઈ શકાય. દૈવી ગુણોને આશરે રહી જિંદગી વ્યતિત કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય. કામ-ક્રોધથી મુક્ત રહેવા વૈરાગ્ય અને અભ્યાસનો આશરો લેવો તે પણ એક વિધિ છે. કોઈપણ માર્ગે ભક્તિ કરી તે પરમેશ્ર્વરને રીઝવી શકાય છે.
કોઈ ફરિયાદ નહીં, જે છે તે બધું તે પ્રભુની પ્રસાદી સમાન છે. અહીં અસ્તિત્વમાં આવતી પ્રત્યેક પરિસ્થિતિ પાછળ કુદરતના ચોક્કસ નિયમો કાર્યરત હોય છે, તેથી પ્રત્યેક પરિસ્થિતિની સંપૂર્ણતામાં સ્વીકૃતિ હોવી જોઈએ.જે કંઈ થઈ રહ્યું છે તે કાં તો કર્મ ફળ ના નિયમ અનુસાર છે, કાં તો વ્યક્તિના ઘડતર માટે છે અને કાં તો તેની કસોટી માટે છે. અહીં કશું જ વ્યર્થ નથી – યથાર્થતા વિનાનું નથી – અપૂર્ણતાને આધારે નથી – આકસ્મિક રીતે ઊભરેલું નથી. પ્રભુમાં અને તેના સર્જનમાં આ પ્રકારનો વિશ્ર્વાસ રાખવો તે પણ તેને પામવાની એક રીત છે.
શિવ મહિમ્નમાં જણાવ્યા પ્રમાણે વ્યક્તિ પોતાની રુચિ અનુસાર પોતાના માર્ગને અનુસરે છે. રુચિ ભિન્ન ભિન્ન હોવાથી માર્ગમાં પણ આવી સ્વાભાવિક છે. એટલા માટે જ સંતોએ વિવિધ પ્રકારે પ્રભુની આરાધના થઈ શકે તેમ કહી જુદા જુદા સંતોએ જુદા જુદા માર્ગો પર ચાલીને ઉદાહરણો સ્થાપિત કરેલા છે. જો માર્ગ એક જ હોત તો કદાચ સપ્તર્ષિની નહીં પણ એક જ ઋષિની જરૂર રહી હોત. જો પરમને પામવાનું એક જ માધ્યમ હોત તો છ પ્રકારના દર્શન સ્વીકારાયા જ ન હોત. જો ઈશ્વરની આરાધના એક જ પ્રકારની વિધિથી સંભવિત બનતી હોત તો સંતોએ વિવિધ પ્રકારના સંભવિત માર્ગોની વાત આપણા સમક્ષ મૂકી ન હોત.
સાથે સાથે પ્રભુને રીઝવવા દીનદુખીની સેવા કરી શકાય. ભૂખ્યાને ભોજન આપી શકાય. માંદાની સારવાર કરી શકાય. વૃદ્ધ વ્યક્તિને ટેકો આપી શકાય. અપંગ તથા અન્ય રીતે અશક્ત લોકોને આધાર આપી શકાય.
પ્રવાસના પ્રકાર અપાર છે. માર્ગો પણ વૈવિધ્યપૂર્ણ છે. વિધિઓ પણ અનેક પ્રકારની છે. દ્વૈત,અદ્વૈત કે દ્વૈતાદ્વૈત એ બધી જ સંભાવનાઓ હયાત છે. જો સંસારને કાલ્પનિક માનીને આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધવું હોય તો પણ મંજૂર છે અને સંસારને હકીકત માની ભક્તિના માર્ગ ઉપર આગળ વધવું હોય તો તે પણ માન્ય છે. પ્રશ્ન માર્ગનો નથી, પ્રશ્ર્ન અંતિમ મંઝિલનો છે. પ્રશ્ર્ન વિધિનો નથી પણ જે તે વિધિ દ્વારા પ્રાપ્ત થનાર પરમ લક્ષ્યનો છે.