શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રીકૃષ્ણના અંતરમાં એક અભિલાષ જાગ્યો છે
જીવનનું અમૃત -ભાણદેવ
અભિલાષ
એકાંતમાં શ્રીકૃષ્ણને ઉદ્ધવ
પૂછે છે રદિયાની વાત,
શ્યામ! તમારા અંતરમાં
થાય છે કો અભિલાષ?
સાંભળી ઉદ્ધવ! પરમ સખા!
હૈયે વસે છે. એક આશ;
અંતર અમારું તલસે છે
યામવા એ દિનરાત.
કોઇક જન્મારે અમે રાધા બનશું
રડશું હૈયા ફાટ;
કૃષ્ણ કૃષ્ણ, એ નામ ઉચ્ચરતાં
નયન વહેશે ચોધાર.
રાધા જીવે તેમ અમેય જીવશું
કૃષ્ણપ્રેમનું કરશું પાન!
રાધાજીને અમે ગુરુ ગણશું
કૃષ્ણનામનું કરશું ગાન
રાધાભાવે ઉન્મત્ત બનશું
તરફડશું દિનરાત;
ઉદ્ધવ! અમારે હૈયે વસે છે
આ જ એક અભિલાષ.
ભગવાનનો અભિલાષ તો અમોઘ છે. તે વ્યર્થ જાય જ નહિ. તે પરિપૂર્ણ થાય જ છે.
શ્રી રાધાજીની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની અપ્રતિમ પ્રીતિ જોઇને શ્રીકૃષ્ણના અંતરમાં અભિલાષ જાગ્યો છે-આ રાધાજી કૃષ્ણ પ્રત્યે જેવી અતિ ગહન પ્રીતિનો અનુભવ કરે છે. તેની પ્રીતિનો અનુભવ મારે પણ લેવો છે. રાધાજી શ્રીકૃષ્ણ માટે જેવો સર્વાંગ પ્રેમ અનુભવે છે, તેવા પ્રેમનો અનુભવ મારે પણ લેવો છે. તેવા પ્રેમમાં મારે પણ તન્મય બનવું છે!
…ને ભગવાન શ્રીકૃષ્ણનો તે અભિલાષ પરિપૂર્ણ થાય છે- ચૈતન્ય મહાપ્રભુ રૂપે!
મધુપતિની સર્વત્ર મધુવર્ષા
ગુલાલ અને ઉલ્લાસથી રંગાયેલ
માનવ અને સમસ્ત પ્રકૃતિ.
જીવનધારા મધુમય
દિવસ મધુમય
રાત્રિ મધુમય
અંતરીક્ષ મધુસ્રાવી.
મધુર – અતિ મધુર ફાલ્ગુની પૂર્ણિમાએ રાધિકાની ભાવકાંતિ, દેહકાંતિ ધરી
શ્રીકૃષ્ણ ગૌરરૂપે આવિર્ભૂત થયા
સંકીર્તન-નૃત્યથી પ્રેમભક્તિનું મહાપૂર વહ્યું
જનમાનસ ભક્તિ-સલિલથી આકંઠ તૃપ્ત થયું
વિશ્ર્વને હરિનામનો નવસંદેશ પ્રાપ્ત થયો
-શ્રી નાથાલાલ જોશી
(અમૃતમ્માંથી સાભાર)
ભગવાન શ્રીકૃષ્ણના શ્રીવિગ્રહનો વર્ણ શ્યામ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુના શ્રીવિગ્રહનો વર્ણ ગૌર છે. આમ કેમ બન્યું છે? થગવાન શ્રીકૃષ્ણે શ્રી રાધાજીની ગૌર દેહકાંતિ ધારણ કરેલ છે. ભગવાન શ્રીકૃષ્ણ મહદ્અંશે ભગવદ્ભાવમાં રહે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ મહદ્અંશે ભક્તભાવમાં રહે છે. આમ કેમ બન્યું છે? ભગવાન શ્રીકૃષ્ણે આ વખતે રાધાજીની ભક્તિયુક્ત ભાવકાંતિ ધારણ કરેલ છે.
શ્રી ચૈતન્ય મહાપ્રભુ એટલે રાધાભાવમાં શ્રીકૃષ્ણ!
શ્રીમદ્ ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથો અને ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલા પરથી લાગે છે કે ભગવાન શ્રીકૃષ્ણે પ્રેમભક્તિનું વાવેતર કર્યું છે અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આ પ્રેમભક્તિ સોળેય કળાએ ખીલી ઊઠી છે; પ્રેમભક્તિનું મહાપૂર આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણનું પ્રેમધર્મની સ્થાપનાનું કાર્ય શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આગળ ચલાવ્યું છે.
શ્રી ચૈતન્ય મહાપ્રભુની જીવનલીલા
૧. ઇ.સ. ૧૪૮૬. ફાલ્ગુન માસની પૂર્ણિમાની રાત્રે પ્રાગટ્ય માતા શચીદેવી અને પિતા પં. જગન્નાથ મિશ્ર
૨. જન્મ પછી નામકરણ. નામ-નિમાઇ. નિમાઇ મહાબુદ્ધિમાન અને સ્ફૂર્તિમાન છે.
૩. મોટાભાઇએ વિશ્ર્વરૂપ ગૃહત્યાગ કરીને સંન્યાસ ધારણ કર્યો.
૪. મહાબુદ્ધિમાન નિમાઇ ન્યાયશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના પંડિત બને છે.
૫. લક્ષ્મીદેવી સાથે લગ્ન થાય છે.
૬. પૂર્વ બંગાલની યાત્રા અને તપનમિશ્રનો ઉદ્ધાર.
૭. પત્નીવિયોગ-લક્ષ્મીદેવીનો સ્વર્ગવાસ થયો.
૮. દિગ્વિજયી પંડિતનો પરાભવ થાય છે.
૯. વિષ્ણુપ્રિયા સાથે પરિણય થાય છે.
૧૦. ગયાધામની યાત્રા અને પુરીમહાશય પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરવામાં આવે છે.
૧૧. પ્રેમોન્માદ પ્રગટ થાય છે.