loksabha સંગ્રામ 2024નેશનલ

સાધુ-સંતોની ટિકીટ, કનૈયાલાલની હત્યા.. જાણો કયા કયા એજન્ડા પર ભાજપે જીત્યો રાજસ્થાનનો ચૂંટણી જંગ

રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તાફેરનો રિવાજ યથાવત રહેતા હવે રાજ કરવાનો વારો ભાજપનો આવ્યો છે. રાજ્યના ચૂંટણી પરિણામોમાં ભાજપે 100 બેઠકોના જાદુઈ આંકડા કરતાં વધુ બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસ 70 બેઠકો પર અટવાયેલી જોવા મળી રહી છે.

હવે ચૂંટણી પરિણામોની સાથે રાજ્યમાં ભાજપની જીત અને કોંગ્રેસની હારના કારણોની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે આવો કેટલાક મુદ્દાઓ પર નજર કરીએ..

  1. સાધુ-સંતોને ટિકીટ: સત્તાધારી પક્ષ કોંગ્રેસે તેની ગેરંટીઓનો જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો. 500 રૂપિયામાં ગેસનું સિલિન્ડર, ચિરંજીવી યોજના હેઠળ સારવાર અને મહિલાઓને મફત સ્માર્ટફોનની યોજનાઓ આપી. તો બીજી તરફ ભાજપે પલટવાર કરતા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના ગુણગાન ગાયા. ભાજપ સૌથી પહેલા સાધુ-સંતોને મેદાનમાં ઉતારીને હિન્દુત્વનું કાર્ડ રમ્યું હતું, અને તેનું ફળ પણ તેને મળ્યુ. બાબા બાલકનાથ સહિત જે બેઠકો પરથી સંતો ચૂંટણી લડ્યા છે ત્યાં ભાજપને સારા મત મળ્યા છે.

    આ વખતે ભાજપે રાજસ્થાનમાં એક પણ મુસ્લિમને પોતાનો ઉમેદવાર બનાવ્યો નથી, અને આવું ત્રણ દાયકામાં પહેલી વાર બન્યું છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં યુનુસ ખાન એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર હતા, જેમણે ટોંક બેઠક પર કોંગ્રેસના સચિન પાયલટ સામે ચૂંટણી લડી હતી. જો કે, આ વખતે પાર્ટીએ ન તો યુનુસ ખાનને ટિકિટ આપી કે ન તો અન્ય કોઈ નવા મુસ્લિમ ચહેરાને મેદાનમાં ઉતાર્યા. જો કે એ આડવાત છે કે યુનુસે બળવો કર્યો અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત્યો પણ ખરો.


    ભાજપે કુલ ત્રણ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર સંતોને મેદાનમાં ઉતાર્યા હતા. તિજારા સીટ પર ભાજપે અલવરના સાંસદ બાબા બાલકનાથને મેદાનમાં ઉતારીને સમીકરણ ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. બાબા બાલકનાથ નાથ સંપ્રદાયના છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આ સંપ્રદાયના છે. એટલા માટે યોગી ખુદ પણ બાલકનાથનું નામાંકન ભરવા આવ્યા હતા. આમ 2 સાધુસંતોની લોકપ્રિયતાનો ભાજપે અહીં લાભ લીધો.


    આ ઉપરાંત જ્યાં મુસ્લીમ મતદારોની સંખ્યા વધારે છે તેવા જયપુર શહેરની હવામહલ બેઠક પરથી પણ ભાજપે મહંત બાલમુકુંદાચાર્યને ટિકિટ આપી હતી. તેમની સામે જયપુર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ આરઆર તિવારી મેદાનમાં હતા. તેમ છતાં ચૂંટણીમાં ભાજપે આ બેઠક કબજે કરી હતી. જેસલમેર જિલ્લાની પોખરણ બેઠક પર ભાજપે મહંત પ્રતાપપુરીને અને કોંગ્રેસે તેમના પ્રધાન સાલેહ મોહમ્મદને ટિકિટ આપી હતી. ગત વખતે પણ આ બંને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જો કે આ વખતે મહંત પ્રતાપપુરીની જીત થઈ છે.

  2. કનૈયાલાલની હત્યાનો મુદ્દો ઉપાડ્યો: ગયા વર્ષે જૂન મહિનામાં ઉદયપુરના એક દરજી કન્હૈયાલાલની 2 વ્યક્તિઓએ હત્યા કરી હતી. ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં કન્હૈયાલાલે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેના કારણે તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. એ પછી હુમલાખોરોએ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર દેશમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા અને ઘટના જૂન 2022માં બની હોવા છતાં અનેક રેલીઓમાં તેનો મુદ્દો ઘણીવાર ઉઠાવવામાં આવ્યો હતો. અનેક રેલીઓમાં ઉદયપુરના કન્હૈયાલાલ ટેલરની હત્યા કેસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો. આ સિવાય ગૃહપ્રધાન અમિત શાહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ લગભગ દરેક પ્રચારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
  3. શોભાયાત્રાઓ પર હુમલાનો મુદ્દો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓએ તાજેતરમાં રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ સરઘસ દરમિયાન પથ્થરમારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ એક સભામાં કહ્યું હતું કે, ‘જ્યારથી અહીં કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી દરેક તહેવાર પર રમખાણો થાય છે. એક રીતે જોઈએ તો રાજસ્થાનમાં દર વર્ષે કોઈને કોઈ મોટું તોફાન થાય છે. હું નાના રમખાણોની વાત નથી કરતો. હું મોટા રમખાણોની વાત કરું છું, જેણે દેશને આંચકો આપ્યો હતો. ઓક્ટોબર 2019માં ટોંકમાં મોટું રમખાણ થયું, 2020માં ડુંગરપુરમાં મોટું રમખાણ, 2021માં ઝાલાવાડ અને બારાનમાં બે મોટા રમખાણો અને ફરી 2022માં કોંગ્રેસે જોધપુર અને કરૌલીને રમખાણોની આગમાં ધકેલી દીધા.” તેવું પીએમએ જણાવ્યું હતું.

    પીએમ મોદીએ લોકોને સંબોધન કરતા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કરૌલીમાં શોભાયાત્રા દરમિયાન જે કંઈ થયું તેને શું તમે લોકો ભૂલી શકો છો? પથ્થરમારાને કારણે કેટલાય લોકો લોહીલુહાણ થઈ ગયા અને ઘાયલ થયા, ઘણા લોકોના ધંધા બરબાદ થઈ ગયા. ક્યારેક પરશુરામ જયંતિ પર હુમલો થયો, ક્યારેક નવા વર્ષની શોભાયાત્રા પર હુમલો થયો તો ક્યારેક દશેરાની સરઘસ પર હુમલો થયો. આ હુમલાઓ કેમ અટકતા નથી ભાઈ? આ હુમલાઓ અટકતા નથી કારણ કે રમખાણોના આરોપીઓ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મિજબાનીઓ રાખે છે. જો કોંગ્રેસ ગુનેગારોને આવકારે તો શું તમારું રક્ષણ કરી શકે? આમ, પીએમ મોદીએ કોંગ્રેસના શાસનની તમામ નબળી કડીઓ જોડીને લોકોને સતત યાદ કરાવ્યું હતું કે શા માટે કોંગ્રેસની સરકાર તેમના માટે યોગ્ય નથી, અને પ્રજાએ તેમના અવાજને અનુસરી ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો કરી દીધો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button