ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ધમાલ, ચીફ સિલેક્ટરના એડવાઈઝરને ઘરભેગા કર્યાં
ઇસ્લામાબાદ: 2023માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ મેનેજમેન્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે સલમાન બટ્ટની નિમણૂકની જાહેરાત કરી હતી. આ માટે પીસીબીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રિયાઝે ખુલાસો કર્યો હતો કે બટ્ટને તેની ભૂમિકામાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યો છે.
પીસીબીની ટીકાનો જવાબ આપતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે પૂર્વ ભારતીય ક્રિકેટરો મોહમ્મદ અઝહરુદ્દીન અને અજય જાડેજાનું નામ લીધું અને કહ્યું હતું કે વિશ્વ ક્રિકેટ બધાને માફ કરી રહ્યું છે અને અમે ટીકા કરી રહ્યા છીએ. વાસ્તવમાં બટ્ટ પર મેચ ફિક્સિંગનો આરોપ હતો અને આવી સ્થિતિમાં ચાહકોને પીસીબીએ તેને પોતાની સાથે સામેલ કરવાનું પસંદ નહોતું કર્યું.
વહાબ રિયાઝે કહ્યું હતું કે લોકો મારા અને સલમાન બટ્ટ વિશે અલગ-અલગ વાતો કહેતા હતા. તેથી હું મારો નિર્ણય પાછો લઈ રહ્યો છું અને મેં સલમાન બટ્ટ સાથે વાત કરી લીધી છે અને મેં તેને કહ્યું છે કે તે મારી ટીમનો ભાગ બની શકે નહીં. કેટલાક મીડિયા હાઉસ અને લોકો ખોટા પ્રચારનો આશરો લઈ રહ્યા છે.
બટ્ટને શુક્રવારે જાન્યુઆરીમાં ન્યૂ ઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝ માટે ટીમ પસંદ કરવા માટે કામરાન અકમલ અને રાવ ઇફ્તિખાર અંજુમ સાથે સલાહકારોની ટીમમાં સામેલ કરાયો હતો. બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમાંથી કોઈ પણ પસંદગીની બાબતમાં સીધી રીતે સામેલ થશે નહીં.
સલમાન બટ્ટ પર 2010માં સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં સંડોવણી બદલ આઇસીસી દ્વારા 10 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. આ પછી તેને પ્રથમ વખત બોર્ડમાં ભૂમિકા મળી હતી.