બોલો કેસીઆરની પાર્ટી તો હારી, પણ મુખ્ય પ્રધાન પોતે પણ હાર્યા
આજે ચારેય રાજ્યના પરિણામોમાં લગભગ સૌથી અનપેક્ષિત અને ચોંકાવનારા પરિણામો તેલંગણાથી આવી રહ્યા છે. એક તો તેલંગણાની સ્થાપના બાદ પહેલીવાર અહીં કૉંગ્રેસે જીત મેળવી અને તેનાં કરતા પણ વધારે ઝટકો આપનારા સમાચાર એ કે બીઆરએસ તો હારી, પણ તેના સ્થાપક અને તેલંગણાના મુખ્ય પ્રધાન કેસીઆર પણ હારી ગયા છે અને તેમને હરાવનાર કૉંગ્રેસના નહીં પણ ભાજપના ઉમેદવાર છે. આ ભાજપના ઉમેદવારે એક રીતે તો એક નહીં પણ બે સીએમને હરાવ્યા છે. અહીની કમારેડ્ડી વિધાનસભામાં કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર), કૉંગ્રેસના રેવાનાથ રેડ્ડી અને ભાજપના કે. વેંકટા રમના રેડ્ડી એકબીજા સામે જંગ લડી રહ્યા હતા. કેસીઆર હાલના મુખ્ય પ્રધાન છે જ્યારે કૉંગ્રેસના રેવાનાથ રેડ્ડી મુખ્ય પ્રધાનના દાવેદાર છે, પરંતુ બન્નેને ભાજપના ઉમેદવારએ હરાવી દીધા છે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપના ઉમેદવાર 3,514 મતથી જીત તરફ જઈ રહ્યા છે. તે બાદ કૉંગ્રેસના ઉમેદવાર અને તે બાદ કેસીઆર છે. આ બેઠક હૈદરાબાદથી 120 કિમી દૂર છે.
દરમિયાન તેલંગણાની 119 બેઠકમાંથી કૉંગ્રેસે 64 બેઠક પર જીત મેળવી છે જ્યારે બીઆરએસની ગાડી 39 પર આવી રોકાઈ ગઈ છે. ભાજપને અહીં 8 બેઠક મળી છે જ્યારે ઓવૈસીનો પક્ષ છ બેઠક પર આગળ છે. દેશમાં ચાર રાજ્યોના પરિમામોમાં કૉંગ્રેસને દિલાસો માત્ર તેલંગણાના પરિણામોએ આપ્યો છે. અહીં કૉંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી છે. આવતીકાલે મિઝોરમનું પરિણામ છે, જે માટે કૉંગ્રેસને આશા છે.