ત્રણ રાજ્યમાં જીતના જશ્ન વચ્ચે પીએમ મોદીએ કોને કર્યો ફોન?
નવી દિલ્હીઃ ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને આખા દેશમાં હાલમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આ જશ્નના માહોલમાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાઈએસ જગનમોહન રેડ્ડી સાથે વાત કરી છે અને મિચોંગ ચક્રવાતના વધતા જોખમને ધ્યાનમાં લઈને શક્ય એટલી મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.
વડા પ્રધાન મોદીએ આ બાબતમાં તમામ પ્રમુખ અધિકારીઓને દરેક શક્ય તે મદદ કરવાનો આદેશ પણ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મિચોંગ ચક્રવાત સતત ઉત્તર-પશ્ચિમમાં આગળ વધી રહ્યો છે, હવામાન ખાતા દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આવતીકાલે એટલે કે ચોથી ડિસેમ્બરના આ તોફાન આંધ્રપ્રદેશના દક્ષિણી વિસ્તારમાં અને તામિલનાડુના ઉત્તરીભાગના કિનારાઓ પર પહોંચી શકે છે. હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલા એલર્ટ અનુસાર આની અસર પશ્ચિમ બંગાળની ખાડી સુધી જોવા મળી શકે છે અને એની આડઅસર જોવા મળી શકે છે.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવી માહિતી અનુસાર પાંચમી ડિસેમ્બર સુધી મિચોંગ ચક્રવાર દરમિયાન નેલ્લોર અને મછલીપત્તનમ વચ્ચે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને એની સ્પીડ પ્રતિકલાક 100 કિલોમીટર જેટલી હોઈ શકે છે. મિચોંગ ચક્રવાતને ધ્યાનમાં લઈને હવામાન વિભાગ દ્વારા તમિલનાડુના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
મિચોંગ ચક્રવાતની ભયાનકતાને ધ્યાનમાં લઈને દક્ષિણના બે રાજ્ય એમાં પણ ખાસ કરીને તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સ્કૂલ બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે જ્યારે રેલવે દ્વારા કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.