સંયુક્ત રાષ્ટ્રની આ ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું, જીત બાદ ઉઠ્યા સવાલો

યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે UNESCOના એક્ઝિક્યુટિવ બોર્ડના ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું છે. એક્ઝિક્યુટિવ બોર્ડના 58 સભ્યોમાંથી 38 સભ્યોએ પાકિસ્તાનની તરફેણમાં મત આપ્યા છે. જ્યારે ભારતની તરફેણમાં માત્ર 18 મત પડ્યા હતા. પાકિસ્તાનને આ જીત ત્યારે મળી રહી છે જ્યારે ત્યાં મોટી સંખ્યામાં હિંદુ મંદિરોને તોડવામાં આવી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ ઘણીવાર સંયુક્ત રાષ્ટ્રના વિવિધ મંચો પર ખુલીને સામે આવતી હોય છે. ભારતે તેની મુત્સદ્દીગીરીના જોરે પાકિસ્તાનને ઘણી વખત હરાવ્યું છે, જો કે આ વખતની યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને હાર આપી હતી. UNESCO એ સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલી શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે.
તે શિક્ષણ, કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં સહકાર દ્વારા વિશ્વ શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. એક તરફ પાકિસ્તાન આ વૈશ્વિક સંસ્થાનું ઉપાધ્યક્ષ બની રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનમાં યુનેસ્કોની યાદીમાં સામેલ શારદા પીઠ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી હતી. આ સમયગાળા દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં પાકિસ્તાને આ જીત હાંસલ કરી હતી. આ જીતથી ઉત્સાહિત, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને તમામ સભ્યોના સમર્થન માટે આભાર માન્યો છે.
પાકિસ્તાને તેના નિવેદનમાં દાવો કર્યો હતો કે તે પોતાની જવાબદારીઓને સંપૂર્ણ રીતે પરસ્પર સન્માન અને વિશ્વસનીયતા સાથે નિભાવશે. વિશ્વના તમામ સભ્ય દેશોને તે સહયોગ આપશે. એક તરફ પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે તે યુનેસ્કોની જવાબદારી નિભાવશે, તો બીજી તરફ તેના જ દેશમાં કોર્ટના કથિત આદેશ પર સિંધ પ્રાંતમાં હિન્દુઓના હિંગળાજ માતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું.
મંદિર તોડવાની આ કાર્યવાહી મીઠી શહેરમાં થઈ હતી. કેટલાક મીડિયા અહેવાલો મુજબ, યુનેસ્કોની યાદીમાં સામેલ LOC નજીક સ્થિત હિંદુ મંદિર શારદા પીઠને પણ તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાને આ મંદિરોને એવા સમયે તોડી પાડ્યા છે જ્યારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મંદિરની દરેક કિંમતે સુરક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં મંદિરની નજીક એક કોફી હાઉસ પણ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન નવેમ્બરમાં થશે.
પાકિસ્તાનમાં પહેલા પણ ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા અને ઈસ્લામાબાદમાં હિંદુ મંદિર માટે જગ્યા આપ્યા બાદ પણ તેને બનાવવાની મંજૂરી આપવામાં આવી નથી. આમ યુનેસ્કોની ધરોહરની જાળવણીને બદલે તેને તોડી પાડીને પાકિસ્તાન પોતાના બેવડા ધોરણો સાબિત કરી રહ્યું છે.