ચૂંટણી પરિણામ 2023ઃ ‘પનોતી કોણ છે?’ પાકિસ્તાની ક્રિકેટર દાનિશે કૉંગ્રેસની કાઢી ઝાટકણી
દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં મત ગણતરી ચાલી રહી છે. આ ચાર રાજ્યોમાં નવેમ્બર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન ભાજપને ત્રણ રાજ્યોમાં બહુમતી મળતી જોવા મળી રહી છે. પૂર્વ પાકિસ્તાની બોલર દાનિશ કનેરિયાએ ભાજપની આ જીતથી ખુશી વ્યક્ત કરી છે.
પાકિસ્તાની બોલર દાનિશ કનેરિયા ભલે દુશ્મન દેશ પાકિસ્તાનમાં રહેતા હોય, પરંતુ તેમને ભારત, ભાજપ માટે ઘણો ભાવ છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને પૂછ્યું છે કે ‘પનોતી કોણ છે?’
આ ટ્વીટની સાથે તેણે એક હસતું ઈમોજી પણ શેર કર્યું છે. તેની ટ્વીટને 14 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે એક હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનરની આ ટ્વીટને લગભગ 3 લાખ લોકોએ જોઈ છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સરસ રમી રહ્યા હતા અને બધી મેચો જીતી રહ્યા હતા. એવા સમયે પીએમ મોદી ફાઇનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યા અને ટીમ ઇન્ડિયા ફાઇનલ હારી ગઇ. પનોતી મોદીએ આવીને ટીમ ઇન્ડિયાને હરાવી દીધી. આ પછી કૉંગ્રેસ પાર્ટીના તમામ મોટા નેતાઓએ પીએમ મોદી માટે પનોતી શબ્દ વાપરવાનું શરૂ કર્યું