ભોપાલઃ આખરે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ‘કમળ’ ખીલતું સાફ જોવા મળી રહ્યું છે. થોડા મહિના પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમપીમાં ભાજપ માટે જીતવું આ વખતે મુશ્કેલ છે. કૉંગ્રેસનો જાદુ ચાલી જશે. કૉંગ્રેસના તમામ પ્રયાસો છતાં, એન્ટિ એન્કમ્બનસી પરિબળ હોવા છતાં અહીં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આટલા ટૂંકા ગાળામાં એવું તે શું થઇ ગયું જેણે ભાજપને ચૂંટણીની રેસમાં જ નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય અપાવ્યો. આપણે એવા કેટલાક પરિબળો જાણીએ જે ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થયા.
શિવરાજ સિંહ ચૌહાણની આ જાહેરાત માસ્ટર સ્ટ્રોક બની
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે થોડા મહિના પહેલા લાડલી બહેના યોજનાની જાહેરાત કરી હતી, જે ભાજપ માટે ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થઈ છે. ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે કોઈ મોટો મુદ્દો નહોતો, પણ લાડલી બહેના યોજના ભાજપને ચૂંટણીમાં જીત તરફ દોરી ગઇ છે. શિવરાજ સિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં ઘૂંટણિયે પડીને આ યોજનાની જાહેરાત કરી હતી. આમાં ભાજપે રાજ્યની 1.5 કરોડથી વધુ મહિલાઓને પહેલા 1000 રૂપિયા અને પછી 1250 રૂપિયા પ્રતિ માસ આપવાનું શરૂ કર્યું. ભાજપે તો ત્યાં સુધી કહ્યું કે જો અમે જીતીશું તો દર મહિનાની આ રકમ વધારીને 3000 રૂપિયા સુધી પણ કરીશું. અમે અમારી વહાલી બહેનોને ઘર પણ આપીશું. કારણ કે મહિલાઓને ફાયદો થાય છે એટલે સમગ્ર પરિવારને લાભ થાય છે. આને કારણે બહેનોએ ભારી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કર્યું. આમ આ યોજનાએ ભાજપને જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી એ નિર્વિવાદ છે.
પીએમ મોદીનો જાદુ ફરી ચાલ્યોઃ-
પીએમ મોદીએ મધ્ય પ્રદેશમાં જંગી સભાઓ કરી હતી. આદિવાસી વિસ્તાર ઝાબુઆ, અલીરાજપુર, માલવા નિમાર જ્યાં આ વખતે કોંગ્રેસ મોટી બેઠકો મેળવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ત્યાં નરેન્દ્ર મોદીની જાહેર સભાઓએ મતદારોને ઘણા પ્રભાવિત કર્યા હતા. 2018માં કોવિડના કારણે માલવા ક્ષેત્રમાં પીએમ મોદીની રેલીઓ અને જાહેર સભાઓ થઈ શકી ન હતી, જેના કારણે ભાજપને નુકસાન સહન કરવું પડ્યું હતું. આ વખતે આ વિસ્તારમાં પીએમ મોદીની રેલી અને જનસભાનો ઘણો ફાયદો થયો છે.
કોંગ્રેસ યુવાનોને સાધી શકી નથીઃ
મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના કમલનાથ અને દિગ્વિજય સિંહની જોડીએ યુવાનોને આકર્ષવાને બદલે પરંપરાગત વ્યૂહરચનાથી ચૂંટણી જીતવાની યોજના બનાવી હતી. આ વખતે પણ કમલનાથે કૉંગ્રેસમાં યુવાનોને આગળ આવવા દીધા નથી. બંને વૃદ્ધ અને ખૂબ જ વરિષ્ઠ નેતા હોવાથી તેઓ યુવાનોની નાડ પારખવામાં નિષ્ફળ ગયા છે. આનું નુક્સાન કોંગ્રેસને ભોગવવું પડ્યું અને તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો.
ભાજપ સાતત્યપૂર્ણ રીતે આગળ વધી રહી છેઃ
કોંગ્રેસ દરેક રાજ્યમાં અલગ-અલગ વ્યૂહરચના સાથે આગળ વધી રહી છે. દરેક રાજ્યના ચૂંટણી પ્રચારમાં તે પીએમ મોદીને ભાંડવાનું ચૂકતી નથી. આ તેમનો વન પોઇન્ટ એજન્ડા હોય છે. કેટલાક રાજ્યોમાં તેઓ ‘ધાર્મિક’ આધાર પર મત માંગવાની વ્યૂહરચના અપનાવે છે. મુસ્લિમ તુષ્ટિકરણની તેમની નીતિ ઘણી વાર ટીકાને પાત્ર બને છે.
જ્યારે ભાજપની રણનીતિ દરેક રાજ્યમાં સમાન રહી છે. સનાતન ધર્મની રક્ષા, દેશની રક્ષા, દેશ બાંધવોની રક્ષા, સ્ત્રી સન્માનની ભાવના-ભાજપ તેની રણનીતિમાં અડગ છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું જે વચન ભાજપે પૂરું કર્યું છે અને લઘુમતિ તુષ્ટિકરણના બદલે દરેકનો સર્વાંગી વિકાસની ભાવના અપનાવી છે. આ પરિબળે ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો આપ્યો છે.
બૂથ લેવલ પર ભાજપના કાર્યકરો કાર્યરત છેઃ
મધ્યપ્રદેશમાં 2003થી ભાજપ સત્તા પર છે અને કૉંગ્રેસ સત્તાથી દૂર. ભાજપના કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ ચરમસીમાએ હતો. દરેક વિકાસ વિભાગ, જિલ્લા અને ગ્રામ્ય સ્તરે ભાજપના કાર્યકરો ઉત્સાહ સાથે કામ કરતા જોવા મળે છે. ચૂંટણી પહેલા ભાજપના મધ્યપ્રદેશ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવેલા અશ્વિની વૈષ્ણવે પોતે કહ્યું હતું કે બૂથ સ્તર પર અમારા કાર્યકરોની મહેનત અને જુસ્સાને કારણે જ અમે ચૂંટણી જીતી જઇશું. આ વખતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપની જીત માટેનો ઉત્સાહ કોંગ્રેસના કાર્યકરો કરતાં પણ વધારે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ, જેઓ એમપીમાં દોઢ દાયકાથી વધુ સમયથી સત્તાથી બહાર હોવાથી તેઓ નિરાશામાં રહ્યા, નબળા કેન્દ્રીય રાજકીય નેતૃત્વને કારણે તેઓ કોઈ વિશ્વાસ મેળવી શક્યા ન હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને