માણસ નિશ્ર્ચય કરી લે તો વિપરીત સંજોગોમાં પણ આગળ વધી શકે
ત્રણ વર્ષની ઉંમરે શારીરિક રીતે અક્ષમ થઈ ગયેલી વૈશાલી પટેલ મોટી થઈને આંતરરાષ્ટ્રીય સ્તરે રમીને દેશ માટે મેડલ્સ જીતી લાવી
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
જૂન, ૧૭, ૧૯૮૫ના દિવસે ગુજરાતના નવસારી જિલ્લાના એક રત્નકલાકારના ઘરે એક તંદુરસ્ત દીકરીનો જન્મ થયો હતો. માતાપિતાએ તેનું નામ વૈશાલી રાખ્યું. વૈશાલી ત્રણ વર્ષની થઈ એ પછી એક રાતે તેને અચાનક તાવ આવ્યો. એ વખતે તેને અચાનક ભયંકર ખેંચ આવી અને તેનાં શરીરનો ડાબો ભાગ પોલિયોગ્રસ્ત થઈ ગયો. તેને તરત જ સારવાર અપાવાઈ, પણ તેના શરીરમાં ખામી રહી ગઈ. તેને ઘણી બધી અલગઅલગ જગ્યાએ સારવાર અપાવાઈ. એ પછી ફિઝિયોથેરાપીનો સહારો પણ લેવાયો. એને કારણે તેનો ડાબો પગ તો સારો થઈ ગયો, પરંતુ તેનાં ડાબા હાથમાં ખામી રહી ગઈ.
વૈશાલીએ એ વાસ્તવિક્તા સ્વીકારી લીધી. વૈશાલી તેનાં કુટુંબનાં બીજાં બાળકોની સરખામણીએ ખૂબ તોફાની હતી, પણ તેનાં માતાપિતા તેનાં તોફાન છતાં તેની સાથે શાંતિથી જ વર્તતા. જેમજેમ વૈશાલી મોટી થઈ તેમતેમ તેનાં માતાપિતા તેની સાથેના વ્યવહારમાં ધૈર્ય રાખતા ગયા. વૈશાલીનો તેના ભાઈ ચેતન સાથે પણ એક મિત્ર જેવો જ અતૂટ સંબંધ છે. તેની ત્રણ બહેન અને તેનાં સગાંવહાલાં સહિત આખા પરિવારે વૈશાલીને ક્યારેય એવી અનુભૂતિ જ ન થવા દીધી કે તે સામાન્ય લોકો કરતાં અલગ છે.
વૈશાલીએ પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ નવસારીમાં મેળવ્યું. એ પછી તે ઉચ્ચ અભ્યાસ માટે સુરત ગઈ. ત્યાં તેણે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેણે માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પ્રથમ ક્રમ મેળવ્યો. હોસ્ટેલના એ અનુભવે વૈશાલીને વધારે મજબૂત બનાવી. ફેમિલીના ક્મ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને અલગ દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરવાની અને એને ટકાવવાની સમજદારી તેને એ સમયમાં મળી જે જીવનમાં ખૂબ જ કામ આવી.
વૈશાલીએ માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી એ પછી તેને પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નવસારીમાં નોકરી મળી. શાળામાં કલ્ચરલ એક્ટિવિટીઝમાં વકતૃત્વ સ્પર્ધા, મ્યુઝિક સ્પર્ધામાં ભાગ લેવાનું તેને ગમતું. એવી જ રીતે પીજીવીસીએલમાં પણ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝમાં તે ભાગ લેતી. એ રીતે તેણે એક વાર બેડમિન્ટનની રમતમાં ભાગ લીધો. એ તેનાં જીવનનો સુખદ વળાંક પુરવાર થયો. વૈશાલી પહેલી વાર બેડમિન્ટન રમી ત્યારે જ તેને લાગ્યું કે જો તે વ્યવસ્થિત તાલીમ લઈ ટુર્નામેન્ટ રમશે તો ખૂબ સારું પરિણામ મળશે. એ પછી તાલીમ લઈને તેણે પેરા એથ્લેટ તરીકે બેડમિન્ટનની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ધીમેધીમે તે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા સુધી પહોંચી. તે પહેલી વાર નેશનલ ગેમ ટુર્નામેન્ટ રમવા બેંગલુરુ ગઈ. ત્યાં તેને તેનો આત્મવિશ્ર્વાસ કામ આવ્યો. તેણે એ ટુર્નામેન્ટમાં બેસ્ટ પર્ફોમન્સ આપ્યું. એ પછી તો તે સળંગ પાંચ ટુર્નામેન્ટ્સ જીતી અને ઘણા બધા મેડલ મેળવ્યાં. એને કારણે ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં તેની દાવેદારી મજબૂત બની. તેનેે પહેલી વાર દુબઈમાં ઈન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળી.
વૈશાલી છેલ્લાં પાંચ વર્ષો દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીતી લાવી છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં માર્ચ, ૨૦૧૮માં યોજાયેલી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેણે વુમન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. તો એ જ ચેમ્પિયનશિપમાં વુમન ડબલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. એ પછી ઉત્તરાખંડમાં માર્ચ, ૨૦૧૯માં યોજાયેલી ત્રીજી રાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેણે વુમન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઓડિશામાં ડિસેમ્બર ૨૦૨૧માં યોજાયેલી ચોથી રાષ્ટ્રીય પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ – ૨૦૨૦માં તેણે વુમન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો તો લખનઊમાં માર્ચ, ૨૦૨૩માં યોજાયેલી પાંચમી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ – ૨૦૨૩માં વુમન સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. એ જ ચેમ્પિયનશિપમાં તેણે વુમન ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
વૈશાલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ અનેક મેડલ્સ જીતી લાવી છે. કમ્પાલા(યુગાન્ડા)માં નવેમ્બર, ૨૦૨૧માં યોજાયેલી યુગાન્ડા પેરા બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં વુમન ડબલ્સમાં પારુલ પરમાર અને વૈશાલી પટેલની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. યુગાન્ડાના કમ્પાલામાં સપ્ટેમ્બર, ૨૦૨૨માં યોજાયેલી યુગાન્ડા પેરા બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં વુમન સિંગલ્સમાં વૈશાલીએ ગોલ્ડ મેડલ મેળવ્યો તો વુમન ડબલ્સમાં ચરણજીત કૌર અને વૈશાલી પટેલની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો. એ જ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સમાં દિનેશ રાજૈયા અને વૈશાલી પટેલની જોડીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. લીમા(પેરુ)માં ડિસેમ્બર, ૨૦૨૨માં યોજાયેલી પેરા બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ૨૦૨૨માં વુમન ડબલ્સ પારુલ પરમાર અને વૈશાલી પટેલની જોડીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
વૈશાલીએ ૨૦૨૩નાં વર્ષમાં સ્પેન, બ્રાઝિલ, બહેરીન, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં ભાગ લીધો. આ વર્ષે જોકે તેને કોઈ મોટી સિદ્ધિ ન મળી, પણ વૈશાલીના જોમમાં કશો ફરક નથી પડ્યો. તે કહે છે, મારું સપનું છે કે એક દિવસ ઓલમ્પિક પોડિયમ પર ભારતના રાષ્ટ્રગીતની સાથે તિરંગો લહેરાતો હોય અને હું શાનથી સલામી આપતી હોઉં.
કોઈ પણ રમતમાં સ્પોન્સરશિપ વગર સફળતા મેળવવાનું અઘરું પડતું હોય છે. વૈશાલીએ પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે. કેનેડા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ વખતે તે લેવલ-વન ક્વોલિફાઈડ હોવા છતાં પણ સ્પોન્સરશિપ ન મળી એને કારણે તેણે એ
ટુર્નામેન્ટ છોડવી પડી હતી. એ જ રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ટુર્નામેન્ટમાં સ્પોન્સરશિપના અભાવે તે જઈ શકી નહોતી અને વુમન્સ સિંગલ્સ રમવાની તક તેને મળી નહોતી.
જો કે વૈશાલીએ હંમેશાં હકારાત્મક અભિગમ અપનાવીને ધીરજ રાખી છે. વર્તમાન સમયમાં પેરા બેડમિન્ટન પ્લેયર તરીકે સિંગલ્સમાં વર્લ્ડ રેન્કમાં તેરમા, એશિયામાં આઠમા અને ભારતમાં ત્રીજા ક્રમાંકે છે. આ ઉપરાંત વુમન્સ ડબલ્સમાં વૈશ્ર્વિક સ્તરે સાતમું અને ભારતમાં બીજું સ્થાન ધરાવે છે.
વૈશાલી કહે છે, પેરા બેડમિન્ટનની કારકિર્દી દરમિયાન મને જે આંતરિક શક્તિ મળે છે તેનું કારણ છે, આનંદથી ભરેલાં મારાં બાળપણનાં વર્ષો. મારું બાળપણ બહુ સરસ રીતે વીત્યું હતું. અમે અમારા ગામમાં દૂરદૂર સુધી ચંપલ પહેર્યા વગર ફરવા નીકળી પડતા. કોઈના ઘરની પાછળ વાડામાં આવેલી આંબલી અને બોરના ઝાડ પર ચડવું મારા માટે ખૂબ જ સહેલું હતું. મારામાં કંઈક ખૂટે છે એવો મારા બાળપણમાં કોઈ વાર અહેસાસ થયો જ નથી.
વૈશાલીને તેનાં પતિ અને પૂરા પરિવાર તરફથી પણ હંમેશાં પ્રોત્સાહન અને સમર્થન મળ્યું છે. તે કહે છે કે રમતની સાથે કુટુંબ સંભાળવાનું કામ મુશ્કેલ છે, પણ તેનાં પતિ, સાસુ-સસરા, દીકરી અને નણંદ તેનાં માટે બધી વસ્તુઓને સરળ કરી દે છે. જયારે તે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમવા અને તાલીમ માટે જાય છે ત્યારે તેને પોતાની નાનકડી દીકરીને પાછળ છોડવાનું અઘરું લાગે, પણ કુટુંબ તેની ખૂબ સંભાળ રાખે છે અને સ્પર્ધા કે તાલીમ પર ફોકસ કરવાનું કહે છે.
વૈશાલીને પહેલેથી વાંચનનો ખૂબ જ શોખ. પુસ્તકોમાંથી પણ તેણે હંમેશાં પ્રેરણા લીધી છે. તે કહે છે કે કંઈ પણ બોલતા પહેલાં વિચારવાની અને કંઈ પણ વિચારતા પહેલાં વાંચવાની અને જ્ઞાન મેળવવાની શીખ મને પુસ્તકોમાંથી મળી છે. તેને સંગીત સાંભળવાનો પણ ખૂબ જ શોખ છે. નરસિંહ મહેતાનું ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ મારા માટે પ્રેરણાદાયી રહ્યું છે.
વૈશાલી પટેલ એ વાતનો વધુ એક પુરાવો છે કે અવરોધો વચ્ચે પણ માણસ કશુંક કરવાનું લક્ષ્ય નજર સામે રાખે તો વિપરીત સંજોગોમાં પણ આગળ વધી શકે છે.