ઉત્સવ

ગુજરાતનું અલાયદું નૈસર્ગિક સ્વર્ગ – કચ્છનાં રણનો ખડીર બેટ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

ગુલાબી ઠંડીના મોહપાશમાં ગુજરાત જકડાય કે દેશભરમાં કચ્છનાં રણને ગૂગલનાં સર્ચ બારમાં પ્રથમ સ્થાન મળે. વૈશ્ર્વિક ફલક પર કચ્છનું નામ પ્રવાસન ક્ષેત્રે ગુંજી રહ્યું છે. ચાલુ વર્ષે કચ્છનાં રણમાં આવેલ નાનકડા ગામ ધોરડોને વિશ્ર્વનાં શ્રેષ્ઠ પ્રવાસન ગામનો ખિતાબ મળ્યો છે અને આ ખિતાબે જ કચ્છને વધારે ઊંચી ઓળખ પ્રદાન કરી છે.કચ્છ એની સંસ્કૃતિ , લોકજીવન અને ભૌગોલિક વૈવિધ્યને લઈને તો જાણીતું છે જ પણ એનું ખૂબ ઓછું ખેડાયેલું એવું નૈસર્ગિક પાસુ પણ કચ્છને વિશ્ર્વમાં અનન્ય બનાવે છે. કચ્છનું રણ એ માત્ર સફેદ ચાદર કે ત્યાંનું સાંસ્કૃતિક લોકજીવન નહિ પણ રણનાં અફાટ સૌંદર્યમાં મહાલતા આ પક્ષીઓ છે. એક સાથે લાખો ફ્લેમિંગો માટેનું સ્વર્ગ છે અહીં. છીછરા પાણીમાં સમૂહમાં ખોરાક શોધતાં હોય ત્યારે ક્ષિતિજ પર સફેદ આકાર સ્પષ્ટ દેખાય પણ જયારે આકાશને આંબવા ઉડાન ભરે કે આખું આકાશ ગુલાબી રંગે રંગાઈ જાય. ગુજરાતનું રાજ્ય પક્ષી આમ મુક્તપણે વિહરતું હોય ત્યારે એને જોયા જ કરવાનું મન થાય, એકીટશે… આવી સાંજ દરેકના નસીબમાં નથી હોતી. દેશભરનાં અલગ અલગ વગડાઓમાં હું પક્ષીઓની શોધમાં ભટક્યો એમાંયે ખાસ કરીને ગુજરાતનાં છેવાડાનાં નિર્જન વિસ્તારોમાં તો ખાસ. વિશ્ર્વભરમાંથી આવતા પ્રવાસી પક્ષીઓને ગુજરાતનું વાતવરણ એટલું અનૂકુળ આવે છે કે તેઓ હંમેશ માટે ગુજરાતના પ્રવાસીઓ બની ગયા છે. વિશ્ર્વભરમાં આ પક્ષીઓનું માઈગ્રેશન ગુજરાતને એક આગવી ઓળખ આપે છે અને એક પ્રકૃતિપ્રેમી તરીકે મને ગૌરવની લાગણી અપાવે છે. રાજ્યના છેવાડાનાં કચ્છનાં મોટા રણમાં ખડીર નામે રણની વચ્ચે ટાપુ આવેલો છે અને માઈગ્રેશન કરતાં પક્ષીઓ માટે આ ટાપુ એટલે કે જાણે મોસાળ જ સમજી લો.

અહીં ફ્લેમિન્ગોઝની ભરમાર છે. ગ્રેટર અને લેસર બંને પ્રકારની ફ્લેમિંગોઝની પ્રજાતિઓ અહીં મોજથી વિહરતી જોવા મળે છે. સંધ્યા ટાણું થાય કે ભાંજડા ડુંગર સામે બેસી જાઓ, ધરણી સોનેરી ઓપ ધારણ કરશે અને ફ્લેમિન્ગોઝ પાણીની સપાટીથી જરાક જ ઊંચે ઉડાન ભરીને આખાયે આકાશને ગુલાબી રંગથી રંગી દેશે જેનું પ્રતિબિંબ રણનાં પાણીમાં સ્વચ્છ રીતે જોઈ શકાશે તો સામે આથમતો સૂરજ જાણે ધરણીમાં જ ઓગળી જવા મથતો હોય એવું દ્રશ્ય સર્જાય છે. ખડીર બેટ પર સૂર્યાસ્ત સમયે ક્ષિતિજ પર ઊડતા ફ્લેમિંગો જાણે આકાશ પર પોતાનું આધિપત્ય જમાવી રહ્યા હોય એવું દીસે. ફ્લેમિન્ગોઝ સિવાય અહીં અવનવા ઘણાં પક્ષીઓ જોવા મળે છે જેમાં ટર્ન, રિંગ પ્લોવર, પેલીક્ધસ વગેરે. ગુજરાતના લોકોનો પક્ષીઓના જતનમાં શ્રેષ્ઠ ફાળો છે એટલે જ પરદેશી પક્ષીઓ અહીં સુરક્ષા અનુભવે છે. કચ્છના રણની ખૂબસૂરત ધરા એટલે અનન્ય પક્ષી-સૃષ્ટિ અને ગુજરાતના રાજય પક્ષી ફ્લેમિંગો(હંજ)નું નિવાસ સ્થાન કહી શકાય. અહીં છાશવારે ક્ષિતિજ પર ફ્લેમિંગોનું ટોળું નયનરમ્ય દૃશ્ય ઉપસાવીને કોઈને પણ વાચાહીન કરી શકે છે. આ પક્ષીઓની ઉડાનનાં તોલે કશું ન આવે. સહુથી આગળ લીડર હશે, ત્યાર બાદ બીજું પક્ષી એની
જગ્યા લેશે એટલે લીડર પાછળ જશે પણ બધા જ એક સાથે હારબંધ સંપીને ઊડશે. આ લોકોની ઉડાન અને જીવવાની પદ્ધતિ જોઈને પણ જીવનના ઘણાં ખરા પાઠ શીખી શકાય. પ્રકૃતિ એ કુદરતે જાતે જ ખુલ્લી મુકેલી જીવનની પાઠશાળા છે દોસ્ત, જલ્દીથી એડમિશન લઇ લો, આ પાઠશાળા હવે કદાચ એના અંતિમ પડાવમાં છે. અહીં આવતી નાનકડી ચકલી સ્વોલીઝક’સ બુશચાટ એટલે કે રણપીદો વાગડની ચકલીનાં નામે જ ઓળખાય છે. આખું શરીર સુંદર રીતે ફુલાવીને નૃત્ય કરતી આ ચકલીને જોવાનું ઘણા ખરા પક્ષીવિદો માટે એક સપના જેવું છે. સાયબિરિયન પ્રાંતમાંથી આવતી લાર્ક પ્રજાતિની ચકલીઓ, સેન્ડગ્રુઝ, ક્રેન્સ વગેરે વાગડનાં ખડીરનાં મહેમાનો છે.

કુદરતમાં મહાલતા નાનકડાં પક્ષીઓ આપણને ઘણું ખરું શીખવી જાય છે. આ જ સુંદર મજાનાં પક્ષીઓ આપણને જમીન સાથે જોડાયેલ રાખે છે. ગમે તેટલી ઊંચી ઉડાન ભરવા માટે સક્ષમ હોવા છતાં એ સતત જમીન સાથે જોડાયેલું જ હોય છે. આપણે ગમે તેટલા મહાન થઇ જઈએ પણ આપણા મૂળને વળગી રહીએ તો જીવનમાં ખૂબ જ ઊંચું સ્થાન આપોઆપ પામી લઈએ છીએ.

ગુજરાતનું રાજ્ય પક્ષી – મોટો હંજ તેની મનમોહક સુંદરતા અને ગુલાબી મિજાજ માટે જાણીતું છે, એમ જ ખડીર વિસ્તાર પણ ત્યાંના સુંદર રંગો અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત